ગાંધીનગરઃ શહેરી વિકાસની પ્રતિબદ્ધતાને આગળ ધપાવતાં વધુ ત્રણ પ્રીલીમીનરી ટાઉન પ્લાનીંગ સ્કીમને સરકારે મંજૂરી આપી છે. રાજકોટની પ્રારંભિક ટી.પી સ્કીમ નં. 26 (મવડી) તેમજ અમદાવાદ પૂર્વની ટી.પી 106 (વસ્ત્રાલ રામોલ) અને અમદાવાદ પશ્ચિમ વિસ્તારની ટી.પી 64 (ત્રાગડ)ને મંજૂરી અપાઇ છે.
રાજકોટની ટી.પી સ્કીમમાં 59,060 ચો.મીટર, અમદાવાદની વસ્ત્રાલ-રામોલ ટી.પી સ્કીમમાં 40,019 ચો.મીટર અને ત્રાગડની ટી.પી સ્કીમમાં 22,245 ચો.મીટર જમીન આવાસ બાંધકામ માટે મળશે. રાજકોટની ટી.પી 26 (મવડી) અંદાજે 125 હેકટર્સની છે અને તેના પરિણામે સત્તામંડળને કુલ 67 પ્લોટ જાહેર હેતુ અને વેચાણ માટે મળશે. આ પ્લોટસનું કુલ ક્ષેત્રફળ 2,23,947 ચો.મીટર છે. આ ટી.પીમાં વેચાણના હેતુ માટે 91,780 ચો.મીટર જમીન સત્તામંડળને મળશે.
વર્ષ 2020ના વર્ષમાં જ અત્યાર સુધીમાં 18 ડ્રાફટ ટી.પી સ્કીમ, 14 પ્રિલીમીનરી તેમજ 4 ફાયનલ કુલ 36 ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરાઇ છે. ત્રણ ટી.પી સ્કીમ એટલે કે ટી.પી સ્કીમ 26 રાજકોટ(મવડી), અમદાવાદ પૂર્વની ટી.પી. 106 (વસ્ત્રાલ-રામોલ) અને અમદાવાદ પશ્ચિમની 64 ત્રાગડ એમ ત્રણેય ટી.પી.માં કુલ 88,761 ચો.મીટર જમીન જાહેર સુવિધાઓ માટે સત્તામંડળને મળશે.
અમદાવાદ પૂર્વની 125 હેકટર્સની ટી.પી-106 (વસ્ત્રાલ-રામોલ)માં અન્વયે સત્તામંડળને 2 લાખ 48 હજાર 505 ચો.મીટરના કુલ 54 પ્લોટસ જાહેર હેતુ અને વેચાણ માટે મળશે. અમદાવાદ પશ્ચિમની 70 હેકટર્સની ટી.પીનં. 64 ત્રાગડ અન્વયે 19 જેટલા પ્લોટની કુલ 1,12,743 ચો.મીટર જમીન સત્તામંડળને મળશે તેમાંથી જાહેર હેતુ અને વેચાણ માટે 53,484 ચો.મીટર જમીન પ્રાપ્ત થશે.
ત્રણેય ટી.પીમાં જાહેર સુવિધાના હેતુથી જે 88,761 ચો.મીટર જમીન સંબંધિત સત્તામંડળોને સંપ્રાપ્ત થશે, તેમાં રાજકોટમાં 38,157 ચો.મીટર, વસ્ત્રાલ-રામોલમાં 40,780 ચો.મીટર અને ત્રાગડમાં 9824 ચો.મીટર જમીન મળશે. ત્રણેય ટી.પી. સ્કીમમાં સમગ્રતયા કુલ મળી 1.15 લાખ 399 ચો.મીટર જમીન બાગ-બગીચા અને ખૂલ્લી જમીનના હેતુથી સત્તામંડળોને ઉપલબ્ધ થવાની છે.