- વેધર વોચની બેઠક યોજાઇ
- રાજ્યમાં મોસમનો અત્યાર સુધીમાં 362.41 મી.મી. વરસાદ નોંધાયો
- રાજ્યમાં આજે 24 જિલ્લાના 90 તાલુકામાં વરસાદ નોંધાયો
ગાંધીનગર: સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને મહેસુલ વિભાગના અધિક સચિવ આર્દ્રા અગ્રવાલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક આજે મંગળવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત નિયામક સી.સી.પટેલે આ બેઠકમાં જણાવ્યું હતું કે, આજે સવારે 6 થી બપોરના 2 સુધી રાજ્યમાં 24 જિલ્લાના 90 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 259 મી.મી વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી અંતિત 362.41 મી.મી. વરસાદ થયો છે. જે પાછલા 30 વર્ષની રાજ્યની એવરેજ 840 મી.મી.ની સરખામણીએ 43.14 ટકા છે.
વરસાદની સંભાવના અને કેટલું વાવેતર થયું
IMD ના અધિકારીએ જણાવ્યું છે કે, 5 દિવસની હવામાનની આગાહી જોતાં સમગ્ર રાજ્યમાં સારા વરસાદની સંભાવના છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. જ્યારે કૃષિ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ હતું કે ચાલુ વર્ષે તા. 31 ઓગસ્ટ 2021 સુધીમાં અંદાજીત 80.90 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન 82.98 લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા 3 વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 94.57 ટકા વાવેતર થયું છે.