- પર્યુષણ પર્વનો પ્રારંભ થતા પહેલા જ થઈ ચોરી
- ચોરી અંગે રખિયાલ પોલીસે તપાસ હાથ ધરી છે
- ભગવાનના મુગટ, કાનના કુંડળ ચોરાયા
ગાંધીનગર : પર્વાધિરાજ પર્યુષણ પર્વનું જૈન ધર્મમાં વિશેષ મહત્વ છે, ત્યારે ગાંધીનગર જિલ્લાના સાંપા ગામમાં શ્રીમંદર સ્વામી ભગવાનના મુગટ, કાનના કુંડળ અને ભંડારાની રકમ મળી તસ્કરોએ 25 હજારની ચોરી કરી હતી. ગાંધીનગરમાં આ પહેલા પણ અન્ય મંદિરોના જુલાઈ, ઓગસ્ટ માસમાં મંદિરોની ચોરીનો ભેદ LCB દ્વારા ઉકેલાયો હતો. એક જ ટોળકી દ્વારા જુદા-જુદા મંદિરમાં રેકી કરી ચોરી કરવામાં આવતી હતી, ત્યારે આ ફરી બીજી ટોળકી સક્રિય થઇ હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો-જૈન પર્યુષણ પર્વનો પ્રારંભઃ રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ પાસેથી પ્રથમ દિવસનું મહાત્મ્ય જાણો...
વહેલી સવારમાં ચોરીની થઇ જાણ
જૈન દેરાસરના પૂજારી મુકેશ બારૈયા દેરાસરના દરવાજાને તાળા મારી ચાવી ગાંધીનગર સાંપા ગામે કૈલાસ સાગર સુરી આરાધના ફાઉન્ડેશનના ટ્રસ્ટી તરુણ સેવંતીલાલ શાહને આપી હતી. ત્યારે બીજા દિવસે વહેલી સવારે સાડા પાંચ વાગે પૂજારી મુકેશભાઈ ભગવાનની પૂજા માટે ગયા હતા, જ્યાં તેમણે ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાં તાળું તૂટેલું હતું આ ઉપરાંત કાનના કુંડળ અને ભગવાનની મૂર્તિ આગળ મુકેલો ભંડારો તસ્કરો ચોરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ તેમને તરુણભાઈને જાણ કરી હતી જે બાદ તરુણભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો- પાટણમાં ભક્તિભાવ સાથે પર્યુષણ પર્વનો થયો પ્રારંભ
ડોગ સ્કવોડ અને FSLની મદદથી ફિંગર પ્રિન્ટ લઈ પોલીસે તપાસ હાથ ધરી
દેરાસરમાં ભંડારો બે દિવસ પહેલાં જ ખાલી કરવામાં આવ્યો હોવાથી વધુ રોકડ રકમ ભાગે આવી નહોતી, પરંતુ ત્રણ કિલો વજનનો મુગટ અને કુંડળ ચોરાયા હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી છે. પોલીસે પણ ડોગ સ્કવોડ અને FSLની મદદથી ફિંગર પ્રિન્ટ વગેરે લઈ તસ્કરોનું પગેરુ શોધવા માટે તજવીજ હાથ ધરી છે. જો કે, ગાંધીનગરમાં અવાર-નવાર મંદિરોમાં ચોરીની ઘટના સામે આવી રહી છે.