- કલોલની 17 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત કરાવવા કોર્ટે આપી મંજૂરી
- 6 મહિનાનું ગર્ભ રહી જતા કોર્ટે પહેલા રિપોર્ટ કરાવવા આદેશ કર્યો
- આરોપીની તપાસ માટે DNA લેવા પણ કોર્ટનો આદેશ
ગાંધીનગર: 17 વર્ષીય કિશોરી ઉપર અજાણ્યા ઇસમે દુષ્કર્મ કરતા ડરના કારણે યુવતીએ કુટુંબીજનોને ઘટનાની જાણ કરી ન હતી. પરંતુ આગળ જતાં કિશોરીના શારીરિક બદલાવને કારણે કુટુંબીજનોને જાણ થતાં તેમણે સ્થાનિક તબીબ પાસે કિશોરીનું ચેકઅપ કરાવડાવ્યું. તપાસ દરમિયાન કિશોરીને 6 માસનું ગર્ભ રહ્યો હોવાનું તારણ બહાર આવ્યું છે. બનાવની જાણ થતાં પરિવારે ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં 30 જુલાઈએ ફરિયાદ નોંધાવી હતી. કિશોરીના ભવિષ્યને જોતા પરિવારજનોએ હાઇકોર્ટમાં ગર્ભપાત કરાવવાની મંજૂરી માટે અરજી કરી હતી.
કોર્ટમાં અરજી દાખલ થતાં જજે શું લીધો નિર્ણય?
કિશોરીને 6 માસ રહી જતા કોર્ટે તેના આરોગ્યને કોઈ જોખમ રહે છે કે કેમ તેને લઇ રિપોર્ટ કરાવવા આદેશ કર્યો હતો. રિપોર્ટમાં ગર્ભપાતથી કિશોરીને કોઈ જોખમ ન હોવાનું સ્પષ્ટ થતા કોર્ટે સોલા હોસ્પિટલને તાત્કાલિક ધોરણે કિશોરીનો લાભ જોતા ગર્ભપાત કરાવવા આદેશ કર્યો હતો. કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, કિશોરીને તમામ દવાઓ અને યોગ્ય સારવાર આપવામાં આવે. તેમજ આગળની તપાસમાં પ્રોટેક્શન ઓફ ચિલ્ડરન ફ્રોમ સેક્સયુલ ઓફેન્સ એકટ 2012 મુજબ અપરાધી સામે કાર્યવાહી કરવા કિશોરીના DNA લેવા પણ આદેશ કર્યો હતો.