- જમીન નીચેથી ONGC ની પાઈપલાઈન હતી એટલે બ્લાસ્ટ થયો
- ONGC ના અધિકારીઓ અને જવાબદારો વિરુદ્ધ ગુનો નોંધાયો
- નમૂના લેતા પરીક્ષણમાં પેટ્રોલિયમ હાઇડ્રોકાર્બન ઓઇલની હોવાનું સામે આવ્યું
- પોલીસ તપાસ અને FSL ના રિપોર્ટમાં સામે આવ્યું
ગાંધીનગર: ડિસેમ્બર 2020 માં કલોલના સઈજ ગામે ગાર્ડન સિટી સોસાયટીના મકાન નંબર 158, 159માં સવારે 7:30 વાગે બ્લાસ્ટ થયો હતો. આ ભેદી બ્લાસ્ટમાં અમિત દવે, તેમના પત્ની પિનલ દવે અને હંસા દવેના મૃત્યુ નિપજ્યા હતા. તેમજ આજુબાજુના મકાનોમાં લોકોને ઈજાઓ થઈ હતી. જમીન નીચેથી ONGC ની ઓઇલની પાઇપલાઇન પસાર થતી હોવા છતાં પણ રહેણાક મકાન બનાવવામાં આવ્યા હતા. જેથી આ મોટી હોનારત બની હતી અને ત્રણ લોકોના જીવ ગયા હતા. તપાસ દરમિયાન ONGC ની ઓઇલ પાઇપલાઇન મળી આવી હતી અને ત્યાં ઓઇલનો જથ્થો પણ મળ્યો હતો. જેના નમૂનાનું પરીક્ષણ FSL દ્વારા કરતા પેટ્રોલિયમ હાઇડ્રોકાર્બન ઓઇલની હાજરી હોવાનું સામે આવ્યું હતું. જેથી આ તપાસમાં ONGC ની ઓઇલની પાઇપલાઇન પસાર થતી હોવાનું સાબિત થયું છે.
DDO કચેરી દ્વારા બિન ખેતી હુકમ કરાતા બિલ્ડરે બાંધકામ કર્યું
સઇજ ગામ ખાતે ગાર્ડન સિટી ઉભી કરવા માટે બિલ્ડર દ્વારા ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારીને અરજી અપાઇ હતી. જેમાં વિવિધ વિભાગોએ NOC સર્વે નંબર 74/1 વાળી જમીન માટે આપી હતી. AUDA દ્વારા પણ વિકાસ પરવાનગી અપાઇ હતી. જે બાદ અહીં જુદા જુદા પ્લોટ પાડવામાં આવ્યા હતા અને તેના પર ગાર્ડન સિટી વસાહત ઉભી કરાઈ હતી. જેમાં 158, 159 મકાનમાં બ્લાસ્ટ થયો હતો. જમીનની ખોદણી કરતા 20 ફૂટ નીચે ONGC ની પાઈપલાઈનમાં પસાર થતી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ઓઇલ મળી આવતા FSL ને મોકલવામાં આવ્યું હતું. જે બાદ આ બ્લાસ્ટનો ભેદ ઉકેલાયો હતો.