ગાંધીનગરઃ આ બિલ અંગે સરકારે વતી વાત કરતા ઉર્જા પ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે, આ બીલના પરિણામે વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થશે. એક દેશ એક બજારના નિર્ણયથી સમગ્ર દેશમાં ગમે તે વેપારી કે ખેડૂતનું દેશના કોઇપણ એપીએમસી માર્કેટમાંથી ખરીદ કે વેચાણ કરી શકશે. કોંગ્રેસ દ્વારા એપીએમસી બંધ થશે તે વાત તદ્દન પાયાવિહોણી છે. એપીએમસી ચાલુ જ રહેશે. બદલતા સમયમાં જે ખેડૂતોને ટેકનોલોજીનો ઉપયોગ કરવો હશે, તે કરીને તેઓ માલ સીધો દેશના અન્ય રાજ્યોમાં વેચી શકશે. જેના પરિણામે ખેડૂતોનું ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘટશે અને વધુ ભાવ મળશે. ખેડૂતોને હાલ જે સુવિધા મળે છે તે ચાલુ જ રહેશે. આ પ્લેટફોર્મ દ્વારા દેશભરમાં રાજ્યના ખેડૂતો પોતાનો માલ વેચી શકશે.
પટેલે જણાવ્યું કે, આગામી 10 વર્ષમાં આ કાયદો મહત્વનો પુરવાર થશે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી ઉત્પાદન વધશે, મોટી કંપનીઓ સિધવ ખેડૂતો પાસેથી કોન્ટ્રાક્ટ કરીને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરી શકશે અને ગુણવત્તાસભર પાક ઉત્પાદન પણ મળશે. જો આજે ટેકનોલોજી નહીં લાવવામાં આવે તો ગ્લોબલાઇઝેશનમાં આપણે ટકી શકયું નહીં. દેશમાં પ્રોસેસિંગ ઉદ્યોગ માટે 10,000 કમિટી રચવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલ છે. આ કમિટીઓ પાક ઉત્પાદન ભેગું કરીને વેચાણ કરશે એટલે ખર્ચા ઘટશે અને ખેડૂતોની આવક વધશે.
વળી આ કાયદો અમલમાં હોવાથી ટેકાના ભાવે ખરીદી બંધ થશે નહીં, ઉપરથી કેન્દ્ર સરકારે ટેકાના ભાવમાં વધારો કર્યો છે. ખેડૂતો જ્યારે એપીએમસી માર્કેટમાં આવે છે, ત્યારે દસ પંદર દલાલો મળીને મંડળી રચીને ખેડૂતોનો માલ સસ્તા ભાવે ખરીદી લે છે. ત્યારે બીજા એપીએમસીમાં ખેડૂતો માલ વેચી શકતા નથી. તેથી હવે ફરજિયાત હરાજીથી ખેડૂતોને મુક્તિ મળશે અને ભારતનો ખેડૂત દુનિયા સાથે હરીફાઇ કરશે.