- રાજ્ય સરકાર શ્રાવણ માસની ઉજવણી બાબતે જાહેર કરશે SOP
- જન્માષ્ટમીના દિવસે દ્વારકાધીશ મંદિર બંધ રહે તેવી શક્યતાઓ
- સોમનાથ મંદિરમાં ટોકન સિસ્ટમ લાગુ થશે
ગાંધીનગર: 10 ઓગસ્ટથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે શ્રાવણ માસમાં સાતમ અને જન્માષ્ટમીનો તહેવાર ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે. ત્યારે રાજ્યના દ્વારકા, સોમનાથ, ડાકોર અને અમદાવાદના ઈસ્કોન મંદિરમાં ભારે ભીડ જોવા મળે છે. કોરોના સંક્રમણની ત્રીજી લહરને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા મંદિરમાં ભીડને કંટ્રોલ કરવા બાબતે ખાસ SOP તૈયાર કરવામાં આવશે, જે ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાશે.
આ પણ વાંચો-દ્વારકાધીશ મંદિરમાં ભક્તો વગર ઉજવાશે જન્માષ્ટમી, શ્રદ્ઘાળુઓમાં નિરાશા
જગતનાથ દ્વારકાધીશ મંદિર બંધ
દ્વારકાના વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, જન્માષ્ટમીના દિવસે દ્વારકાધીશ મંદિર કોઈપણ ભાવિક ભક્તો પ્રવેશી ન શકે તે માટે બે દિવસ મંદિર બંધ રાખવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે હજુ સરકાર તરફથી ચોક્કસ આદેશ મળ્યા બાદ આ બાબતની જાહેરાત કરવામાં આવશે. જન્માષ્ટમીમાં જે ધાર્મિક પૂજાવિધિ થાય છે તેમાં પણ મંદિરના જ ગણતરીના લોકોની હાજરીમાં જ ધાર્મિક પૂજાવિધિ કરવામાં આવશે. જ્યારે કોઈપણ ભક્તોને પ્રવેશ આપવામાં નહીં આવે તેવું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.
સોમનાથ મંદિરમાં ટોકન સિસ્ટમ, આરતીમાં ભક્તોનો સમાવેશ નહિ
શ્રાવણ માસમાં અને એમાં પણ શ્રાવણ માસના સોમવારને સોમનાથ મહાદેવનું અતિ મહત્વ ગણવામાં આવે છે. ત્યારે સોમનાથ મંદિરમાં કોરોનાને ધ્યાનમાં લઈને મંદિરમાં સિસ્ટમથી દર્શન કરવામાં આવશે. જ્યારે શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિરમાં થતી આરતીમાં કોઈપણ ભાવિક ભક્તોને હાજર રહેવાની અનુમતિ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત રાજ્ય સરકાર તરફથી જે સૂચનાઓ મળશે તે પ્રમાણે જ મંદિરનું આયોજન કરવામાં આવશે.