- રાજ્યમાં કોરોના પરિસ્થિતિ દિવસે દિવસે થઈ રહી છે ગંભીર
- ગંભીર પરિસ્થિતિ વચ્ચે ભાજપ દ્વારા તમામ જિલ્લામાં કરાયો વિરોધ
- કોંગ્રેસે કર્યા આક્ષેપ, ભાજપ જ દેશભરમાં કોરોના સુપરસ્પ્રેડર છે
ગાંધીનગર: રાજયમાં દિવસે દિવસે કોરોનાની પરિસ્થિતિ કથળતી જઈ રહી છે. લોકોને સરકરી અને ખાનગી હોસ્પિટલમાં જગ્યા નથી મળી રહી અને હોસ્પિટલની બહાર ફૂટપાથ પર અથવા તો હોસ્પિટલના દરવાજે જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે છેલ્લા 24 વર્ષથી રાજ્યમાં એકહથ્થુ શાસન ધરાવતી ભાજપ સરકારના ગૃહ વિભાગે રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટાડવા માટે તમામ પ્રકારના મેળાવડાઓ યોજવાની મનાઈ ફરમાવી છે. ત્યારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામ બાદ થયેલી હિંસાનો ભાજપના કાર્યકરો, હોદ્દેદારો, ધારાસભ્યો તેમજ સાંસદો દ્વારા કરવામાં આવી રહેલો વિરોધ કેટલો યોગ્ય છે? તેવા પ્રશ્નો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.
ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલુ નોટિફિકેશન ગૃહ વિભાગની સ્પષ્ટ ના હોવા છતાં પણ યોજાયા કાર્યક્રમ
રાજ્યમાં કોરોના સંક્રમણ વધે નહિ તે માટે ગૃહ વિભાગ દ્વારા કડક કાયદાઓ રાજ્યમાં અમલી કરવામાં આવ્યા છે. 5 મેના રોજ ગૃહવિભાગ દ્વારા રાજ્યમાં અમુક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકતું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. નોટિફિકેશનની F જોગવાઈમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, સમગ્ર રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો/મેળાવડાઓ સદંતર બંધ રહેશે. હજુ આ નોટિફિકેશનને 50 કલાક પણ પૂરા નથી થયા, ત્યારે ભાજપ પક્ષ દ્વારા વિરોધ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવતા સત્તાધારી પક્ષ ખુદ ગૃહ વિભાગના નોટિફિકેશનનો ભંગ કરી રહ્યું હોવાની ભિતી લોકોમાં સેવાઈ રહી છે. આ વિરોધ કાર્યક્રમો યોજવામાં સ્થાનિક પોલીસ પરવાનગી આપશે કે નહીં? જો પરવાનગી કાર્યક્રમ વગર યોજાશે તો સ્થાનિક પોલીસ શું પગલા લેશે? આ પ્રકારના પ્રશ્નો પણ લોકોના મનમાં ઉભા થયા છે.
પોલીસ હોવા છતા પણ કોઈ કાર્યવાહી નહીં રાજ્યમાં 2 કાયદા? રૂપાણી સરકાર જવાબ આપે: કોંગ્રેસ
કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ ETV Bharat સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં બે પ્રકારના કાયદા હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે સત્તા પક્ષના લોકો જ હવે કાયદાઓ તોડી રહ્યા છે. જ્યારે ભાજપ પક્ષ દ્વારા તમામ જિલ્લામાં જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે અને એક બાજુ ગૃહ વિભાગનું નોટિફિકેશન છે. ત્યારે સ્થાનિક કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ પણ આ બાબતે જવાબ આપવો જોઈએ. આ ઉપરાંત કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં રાજ્યમાં રેમડેસીવીરની કાળાબજારી, ઓક્સિજન તેમજ હોસ્પિટલ્સમાં બેડની અછત સહિતના મુદ્દાઓથી લોકોને ભટકાવવા માટે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે.
ભાવનગરમાં ભાજપ દ્વારા કરાયેલું વિરોધ પ્રદર્શન રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ સરકારને જગાડવા માટે છે: ડૉ. મનીષ દોશી
રાજકોટ કોંગ્રેસ દ્વારા શહેરમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને મુદ્દો બનાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે બાબતે મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સરકારી તંત્ર તમામ જગ્યાએ નિષ્ફળ રહ્યું છે. લોકોને ઓક્સિજન અને હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા, ત્યારે સરકારી તંત્રને જગાડવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
લોકશાહી રીતે વિરોધ કર્યો, ગાઈડલાઇન્સનું પાલન પણ કર્યું: ભાજપ
જ્યારે ભાજપના પ્રવકતા યમલ વ્યાસે ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, જે જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા છે. ત્યાં સરકારની ગાઈડલાઈન્સ મુજબ 20થી વધારે લોકોને ભેગા થવા દીધા નથી. જ્યારે કોઇ પણ કાર્યક્રમમાં સૂત્રોચ્ચાર પણ નથી કરવામાં આવ્યો અને ફક્ત બેનર લઈને પ્રદર્શન કરવામાં આવ્યું હોવાનું નિવેદન પ્રદેશ ભાજપના મુખ્ય પ્રવકતા યમલ વ્યાસે જણાવ્યું હતું.
સુરત મેયર હેમાલી બોઘાવાલાનો વિરોધ સુરતમાં વિરોધ પ્રદર્શનમાં પહોંચેલા મેયરનો લોકોએ ઉધડો લીધો
પુણા વિસ્તારમાં મેયર હેમાલીબેન બોઘાવાલા પશ્ચિમ બંગાળ હિંસાને લઈને ધરણા પ્રદર્શન માટે પહોંચ્યા હતા. જોકે, ત્યાં તેઓનો જબરદસ્ત વિરોધ થતા તેઓને ત્યાંથી નીકળી જવું પડ્યું હતું. વિરોધ કરી રહેલા લોકોમાં કોંગ્રેસના લોકો પણ શામેલ હતા, પરંતુ ત્યાં એક વ્યતક્તિએ જોર-જોરથી બુમો પાડી હતી અને કહ્યું હતું કે, અમે ભાજપના જ કાર્યકરો છીએ. અમારી બહેન-દીકરીઓ ઇન્જેક્શન વગર મરી રહી છે. તેને પહેલા ઈન્જેક્શન અપાવો. અમે અન્ય કોઈ પાર્ટીના કાર્યકરો નથી. વિરોધ કરી રહેલા કોંગેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી અને પુણા પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા.
અંબાજીમાં સોશિયલ ડિસ્ટન્સ વગર વિરોધ પ્રદર્શન જાણો ક્યા સ્થળોએ ભાજપ દ્વારા કરાયો હતો વિરોધ
- મોરબી:6 મેના રોજ મોરબીના નવા બસ સ્ટેન્ડ નજીક ભાજપ કાર્યાલયમાં ભાજપ આગેવાનો અને કાર્યકરોએ પશ્ચિમ બંગાળ હિંસાને લઈને ધરણા કર્યા હતા. મોરબીમાં ધરણા કાર્યક્રમમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા, પ્રદેશ અગ્રણી જયંતીભાઈ કવાડિયા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, તાલુકા પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા સહિતના આગેવાનો અને કાર્યકરોએ ધરણા કર્યા હતા.
- રાજકોટ:ચૂંટણીના પરિણામ પછી પશ્ચિમ બંગાળમાં હિંસાના સર્જાઈ હતી. જેમાં ભાજપના કાર્યકર્તાઓ પર તૃલમૂલ કોંગ્રેસના કાર્યકરો દ્વારા હિંસક હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં ભાજપના નેતાઓ ગંભીર રીતે ઘવાયા હતા. જેના વિરોધમાં ભાજપ દ્વારા રાષ્ટ્રવ્યાપી ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે ગુરૂવારે રાજકોટમાં પણ અલગ-અલગ વિસ્તારમાં ભાજપ દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા.
- અમદાવાદ:પશ્ચિમ બંગાળ હિંસાનો વિરોધ કરતી વેળાએ સાંસદ કિરીટ સોલંકીએ જણાવ્યું કે, ભાજપ સાથેનો અત્યાચાર અમે નહી ચલાવીએ. કોરોના મહામારીમાં અમે ચુસ્ત પાલન સાથે વિરોધ કરી રહ્યા છીએ. મમતા બેનર્જીના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. આ ઉપરાંત યોગ્ય કાર્યવાહી કરવા અને જે ગુનેગાર છે તેમની સામે કડક કાર્યવાહી કરવા માગ કરી છે.
- આણંદ: શહેર ભાજપ સંગઠન દ્વારા નગરપાલિકા બહાર પંડિત દીનદયાળની પ્રતિમા પાસે અને આણંદ લાઇબ્રેરી બહાર મમતા બેનરજીના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ અને તાલુકા કક્ષાના દેખાવમાં સાંસદ મિતેશ પટેલે નેતૃત્વ કર્યું હતું.
- ભાવનગર:શહેરમાં રાત્રિ કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે.આથી, દિવસ દરમિયાન જીવન જરૂરિયાત સિવાયની ચીઝ વસ્તુની દુકાનો બંધ છે. ત્યારે, મેળાવડાઓ કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ભાવનગર શહેરમાં રાજકીય પક્ષો રાજ્ય સરકારના કોરોના ગાઇડલાઇનના નિયમનો ભંગ કરી રહ્યા છે. ભાજપે મમતા બેનર્જીનો વિરોધ કરવા ધરણા કર્યા હતા.
- જામનગર:શહેર ભાજપ દ્વારા એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે બંગાળ હિંસાના વિરોધમાં પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ભાજપના 15 કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા. એક બાજુ રાજ્ય સરકારે તમામ પ્રકારના સભા-સરઘસ અને જાહેર કાર્યક્રમો રદ કર્યા છે તેમ છતાં જામનગર ભાજપે સરકારના નિયમોનો ઉલાળીયો કરી અને ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો.
- નવસારી: પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મમતા બેનર્જીની જીત થયા બાદ પશ્ચિમ બંગાળમાં હિંસા શરૂ થઈ હતી. જેના વિરોધમાં બુધવારે નવસારીના બીલીમોરા ખાતે નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે ભાજપી આગેવાનો સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આ સાથે જ બંગાળમાં બદલાની રાજનીતિ રોકવા કેન્દ્ર સરકારને પણ એક્શનમાં આવવા અપીલ કરી હતી.
- વડોદરા:પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ હિંસાની ઘટના સામે આવી હતી. ભાજપ દ્વારા હિંસા માટે તૃણમૂલ કોંગ્રેસના સુપ્રિમો મમતા બેનર્જી જવાબદાર હોવાના આક્ષેપો સાથે ગુરૂવારે વડોદરા શહેર ભાજપ દ્વારા 5 સ્થળોએ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જોકે, 5 જુદી જુદી જગ્યાઓએ પ્રદર્શન યોજવાનું કારણ કોરોના ગાઈડલાઈનનો ભંગ ન થાય તે માટે હોવાનુ ચર્ચાઈ રહ્યું છે.
- સુરત: બંગાળ ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ત્યાં હિંસા ફાટી નીકળી છે. આ હિંસાના વિરોધમાં સુરતમાં ભાજપ દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે. ત્યારે સુરતના પુણાગામ વિસ્તારમાં મેયર વિરોધ માટે પહોંચતા જ કોંગેસ દ્વારા મેયર હેમાલીબેન બોઘાવાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે, અત્યારે મહામારીમાં લોકોને બેડ, ઓક્સિજન અને દવાની અછત છે તે પહેલા પૂર્ણ કરો.
- બારડોલી: બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પશ્ચિમ બંગાળમાં થઈ રહેલી હિંસાના વિરોધમાં ધરણાં પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા રાજકીય, સામાજિક સહિતના મેળાવડા અને કાર્યક્રમો ન યોજવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. તેમ છતાં, બારડોલી પોલીસના અધિકારી દ્વારા કાર્યવાહી કરવાની જગ્યાએ કાર્યક્રમ સ્થળે નેતાઓને હાથ મિલાવતા લોકોમાં પણ પોલીસની બેધારી નીતિ સામે રોષ જોવા મળ્યો હતો.
ગાંધીનગરથી પાર્થ જાનીનો વિશેષ અહેવાલ...