- રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો મુદ્દો
- હવે 26 ઓક્ટોબરથી શરૂ થશે પ્રક્રિયા
- અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાને કરી જાહેરાત
ગાંધીનગર: રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ મગફળીની ખરીદી 21 ઓક્ટોબરથી નહીં કરવાની જાહેરાતના મુદ્દે જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા રાજ્યના અમુક વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કેટલાંક જિલ્લાઓમાં તૂટક તૂટક વરસાદ પડી રહ્યો છે.
રાજ્યમાં મગફળીની ખરીદી હવે 26 ઓક્ટોબરથી શરૂ થશે, જયેશ રાદડિયા ખેડૂતોની મગફળી રિજેક્ટ ન થાય તે માટે રાજ્ય સરકારે લીધો નિર્ણય
વરસાદના કારણે મગફળીમાં ભેજનું પ્રમાણ વધુ રહે છે. જેથી મગફળી ખરીદી સમયે રિજેક્ટ કરવામાં આવે છે. જેથી ખેડૂતોની મગફળી રિજેક્ટ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા હવે 21 ઓક્ટોબરને બદલે 26 ઓક્ટોબરથી મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે. આમ રાજ્ય સરકારે હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને મગફળીની ખરીદી 5 દિવસ પાછી ઠેલવી છે. જે હવે 26 ઓક્ટોબરથી રાજ્યના 139 સેન્ટર પરથી મગફળીની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરવામાં આવશે. ખરીદીની આ પ્રક્રિયા 90 દિવસ ચાલશે.
રાજ્યમાં કુલ 4.68 લાખ ખેડૂતોએ કરાવ્યું રજિસ્ટ્રેશન
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4.68 લાખ જેટલા ખેડૂતોએ મગફળીના વેચાણ માટેનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યારે ખેડૂતોને કોઈ તકલીફ ન પડે અને તેઓને ભેજના કારણે પાછું જવું ન પડે તે માટે રાજ્ય સરકારે હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને 5 દિવસ માટે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનું ટાળ્યું છે.