કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં તમામ ખેડૂતોને ભારે નુકસાન થયું છે. મગફળીનો ઉભો પાક પલળી ગયો હતો. ખેડૂતોને આ નુકસાન સામે રાજ્ય સરકારે 3795 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે, પરંતુ આ સહાય પેકેજ પાક વીમાથી અલગ છે. તેવી જાહેરાત પણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને કૃષિ પ્રધાન આર. સી. ફળદુએ કરી હતી. ખાનગી કંપનીઓના એજન્ટો કોરા ફોર્મ ઉપર ખેડૂતો પાસે સહી કરાવી લેતા હોવાની ફરિયાદ રાજ્યના પૂર્વ કૃષિપ્રધાન દિલીપ સંઘાણીએ કરી છે.
પાક સર્વે કરતી કંપનીઓ સામે પૂર્વ કૃષિ પ્રધાન દિલીપ સંઘાણીના સનસનીખેજ આરોપ - પાક સર્વે
ગાંધીનગરઃ ખેડૂતોને વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાન સામે રાજ્ય સરકારે 3795 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. ખાનગી કંપનીઓના એજન્ટો કોરા ફોર્મ ઉપર ખેડૂતો પાસે સહી કરાવી લેતા હોવાની ફરિયાદ રાજ્યના પૂર્વ કૃષિપ્રધાન દિલીપ સંઘાણીએ કરી છે.
ખેડૂતો પાસે કોરા ફોર્મ પર સહી કરાવા બાબતે પૂર્વ કૃષિપ્રધાન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, અમરેલીના અનેક ગામડાઓમાં ખાનગી કંપનીઓના સર્વેયર દ્વારા ખેડૂતો પાસેથી કોરા ફોર્મ પર સહી કરવામાં આવી છે. જે બાબતે અનેક ખેડૂતો દ્વારા મને ફોન પર જાણકારી આપવામાં આવી હતી. જે અંતર્ગત ખેડૂતોને સૂચના આપી હતી કે, આવા કોઈ પણ કોરા ફોર્મ પર સહી કરવી નહીં, જ્યારે ખાનગી કંપનીઓ ઓછું નુકસાન બતાવીને ઓછું વળતર આપે તેવી શક્યતાઓ છે. જેથી ખાનગી કંપનીઓ પોતાનો નફો લેવા માટે ખેડૂતોને નુકસાન કરી રહ્યા છે. આ બાબતે ખેડૂતોએ જે તે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી પરિસ્થિતિની જાણ તંત્રને કરવી જોઇએ. જે ગામ અથવા તો જિલ્લામાં કંપની દ્વારા સર્વે કરવામાં આવતો નથી, તે અંગે પણ જિલ્લા સમિતિને જાણ કરવી જોઈએ. જેથી તમામ ગામોમાં કંપનીઓ સર્વે કરી શકે.
રાજ્ય સરકારે જે સહાય પેકેજ જાહેર કર્યું છે, તેને પણ રાજ્યના પૂર્વ કૃષિપ્રધાન દિલીપ સંઘાણીએ વધાવ્યું હતું. રાજ્ય સરકારના આ નિર્ણય બદલ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને કૃષિ પ્રધાન આર સી ફળદુને અભિનંદન પાઠવ્યા હતા