- રૂપિયા 102 કરોડના ખર્ચે બનાવાયું છે રેલવે સ્ટેશન
- ગાંધીનગરમાં 1976માં પાવર સ્ટેશન શરૂ કરાયું હતું
- જૂના રેલવે સ્ટેશનની સંપૂર્ણપણે કાયાપલટ કરવામાં આવી
ગાંધીનગર : આજે શુક્રવારે સાંજે 4 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગરના નવનિર્મિત કેપિટલ રેલ્વે સ્ટેશનનું ઉદ્દઘાટન કરવામાં આવશે. જેને લઇને ગઈકાલથી જ તાડમાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. અત્યાધુનિક રેલવે સ્ટેશન 102 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં 3 પ્લેટફોર્મ, 2 એસ્કેલેટર્સ તેમજ એલ્યુમિનિયમની છત ધરાવતા આ સ્ટેશનમાં ઘણી અત્યાધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
અગાઉનું ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન નવું ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન આ 2 ટ્રેનોનું કરશે ઉદ્ઘાટન
વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રેલવે સ્ટેશન તેમજ હોટલ લીલાનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઉપરાંત તેઓ ગાંધીનગરથી તેમના મત ક્ષેત્ર વારાણસીના સુધી સુપરફાસ્ટ ટ્રેનને તેમજ ગાંધીનગરથી તેમના ગામ વડનગર થઈ વરેઠા સુધીની મેમૂ ટ્રેનને પણ પ્રસ્થાન કરાવશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વીડિયો કોન્ફરન્સથી જોડાશે. ગાંધીનગરથી વારાણસી ટ્રેન દર ગુરૂવારે રાત્રે 11.15 કલાકે ઉપડી બીજા દિવસે શુક્રવારે રાત્રે 11:30 કલાકે વારાણસી પહોંચશે. આ ઉપરાંત વરેઠા મેમૂ ગાંધીનગરથી બપોરે 12:10 વાગે ઉપડી બપોરના 3.30 વાગે વરેઠા પહોંચશે.
કેન્દ્રીય રેલપ્રધાન અશ્વિની કુમાર કેન્દ્રીય અને રાજ્ય રેલવેપ્રધાને લીધી મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન અને હોટેલ લીલા છે. ત્યારે સૌપ્રથમ કેન્દ્રિય રેલપ્રધાન અશ્વિની વૈષ્ણવ અને રાજ્ય રેલપ્રધાન દર્શના જરદોશે ગાંધીનગર રેલ્વે સ્ટેશનની શુક્રવારે સવારે મુલાકાત લીધી હતી અને ચાલી રહેલી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે આ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, આ રેલવે સ્ટેશનનું ખાનગીકરણ નહીં, પરંતુ સરકાર પાસે જ રહેશે. તેમાં પણ લોકોને સારામાં સારી સુવિધા મળે તેવું વડાપ્રધાનનું વિઝન છે. આગળ ટ્રેનો વધારવામાં આવશે કે નહીં, તે અંગે તેમણે જણાવ્યું કે, લોકોની સુવિધા માટે જે જરૂરી હશે તે કરવામાં આવશે.
ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનના વર્ચ્યુઅલ ઉદ્ઘાટનની તૈયારીઓ પૂર્ણ 1979માં પ્રથમ પેસેન્જર ટ્રેન શરૂ કરવામાં આવી હતી
કેપિટલ રેલવે સ્ટેશન પર વર્ષ 1979માં પ્રથમ પેસેન્જર ટ્રેન શરૂ કરવામાં આવી હતી. જેનો લાભ કર્મચારીઓ અને ગામલોકોને મળતો હતો. આ પહેલા વર્ષ 1976માં પાવર સ્ટેશન શરૂ કરાયું હતું. જેમાં કોલસો લાવવા માટેની ગાડી અવરજવર કરતી હતી. રાજ્યના પાટનગરની રચના થઈ એ બાદ 1972માં રેલવે લાઇન નાંખવાની શરૂઆત કરવામાં આવી હતી. સમય જતા 2002માં રેલવે સ્ટેશનનું આધુનિકરણ કરી નવી ટ્રેનોની સુવિધા આપવામાં આવી હતી.