શહેરમાં ચોરીના બનાવ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે. ફાર્મ હાઉસ, બંધ મકાનને ટાર્ગેટ કરવામાં આવે છે. શહેરમાં મોટાભાગના લોકો અન્ય જિલ્લાના હોવાના કારણે દિવાળી વેકેશન દરમિયાન વતન જતા હોય છે. આ સમયે ખાલી પડેલા મકાનમાં તસ્કરો ત્રાટકતાં હોય છે. દિવાળીના તહેવારોમાં ચોરીના બનાવ અટકાવવા માટે તમામ પોલીસ સ્ટેશનના PIને પેટ્રોલિંગ ઉપર ખાસ ધ્યાન આપવા સૂચન કરાયું હતું. સાઇબર કેસ વધી રહ્યા છે તે અંગે લોકોને જાગૃત રહેવા માટે પણ ટકોર કરી હતી.
નાયબ પોલીસ અધિક્ષક એમ. કે. રાણાએ ક્રાઈમ કોન્ફરન્સમાં કહ્યું કે, જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે તહેવારો દરમિયાન ક્રાઇમના બનાવ અટકે તે માટે શું પગલા જોઈએ તે બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો. રોકડ લઈને જતા આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટારુઓ ટાર્ગેટ બનાવતા હોય છે. આંગડિયા પેઢીના માલિકો સાથે બેઠક કરી, તેમને પોલીસ પ્રોટેક્શન માગે તો પોલીસ પ્રોટેક્શન આપવામાં આવશે.