- 12 મેથી 18 મે સુધી કરફ્યૂ લંબાવવામાં આવ્યું
- કોર કમિટીની બેઠકમાં મુખ્યપ્રધાને લીધો નિર્ણય
- રાજ્યમાં જીવન જરૂરી ચીજવસ્તુઓને અપાઈ છૂટ
ગાંધીનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરોના કેસો નિયંત્રણમાં લાવવા માટે કરફ્યૂ લંબાવવામાં આવ્યું છે. રાત્રિના 8થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કરફ્યૂ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ સુધી લંબાવવામાં આવ્યા છે. ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના 36 શહેરોમાં વધારાના આ મર્યાદિત નિયંત્રણો મુકાયા છે. કોર કમિટિની બેઠકના આ નિર્ણય અનુસાર રાજ્યના 8 મહાનગરો સહિત જે 36 શહેરોમાં રાત્રિ કરફયુ તારીખ 11 મે સુધી રાખવામાં આવેલો હતો તે તારીખ 12 મેથી તારીખ 18 મે એમ 7 દિવસ માટે દરરોજ રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી યથાવત અમલમાં રહેશે.
આ પણ વાંચો:રાજ્ય સરકાર દ્વારા તમામ સિવિલ હોસ્પિટલ્સમાં મ્યુકોરમાઇકોસીસ માટે વોર્ડ શરૂ કરાશે
આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે
આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. જેમાં, અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તેમજ ખાદ્યપદાર્થોની દુકાનો ચશ્માની દુકાનો ચાલુ રહેશે. જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ઉપરાંત 36 શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત રહેશે.