- નરેશ કનોડિયાના અંતિમ દર્શન માટે લોકો ઉમટ્યા
- લોકોની માંગણીને ધ્યાને લઈ એમ્બ્યુલન્સ ઉભી રાખી
- અંતિમયાત્રામાં 50થી વધુ કારનો કાફલો જોવા મળ્યો
- હિતુ કનોડિયાએ PPE કીટ સાથે અગ્નિદાહ આપ્યો
- ગાંધીનગરઃ ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા બંન્ને કનોડિયા બંધુઓએ દુનિયાને વિદાય આપી છે. 25 ઓક્ટોબરે મહેશ કનોડિયા અનેે 27 ઓક્ટોબરે ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ કલાકાર અને રાજકારણમાં પણ આગવી પ્રતિષ્ઠા ધરાવતા નરેશ કનોડિયાએ યુ.એન.મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. ત્યારે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલથી અભિનેતાના પાર્થિવ દેહને ગાંધીનગર સ્થિત સેક્ટર 30ના સ્મશાન ખાતે લાવવામાં આવ્યો હતો. નરેશ કનોડિયાની અંતિમ યાત્રામાંં સ્વજનોએ ભારે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.
એમ્બ્યુલન્સની પાછળ કારનો મોટો કાફલો
નરેશ કનોડિયાના મૃતદેહને અમદાવાદની સિવિલ હોસ્પિટલથી ગાંધીનગર સ્મશાન તરફ લાવવામાં આવી રહ્યો હતો, ત્યારે 50થી વધુ ગાડીઓનો કાફલો એમ્બ્યુલન્સની પાછળ જોડાયો હતો. જ્યારે ગાંધીનગર સ્મશાન ગૃહ ખાતે પણ ઘણા લોકો અંતિમદર્શન માટે જોડાયા હતા.
ચાહકોએ એમ્બ્યુલન્સ હાઇવે પર ઉભી રખાવી
અભિનેતાની અંતિમયાત્રામાં એમ્બ્યુલન્સ અને ગાડીઓનો કાફલો ગાંધીનગર અમદાવાદ હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ફિલ્મ કલાકાર નરેશ કનોડિયાના ચાહકોએ હાઇવે ઉપર આવીને એમ્બ્યુલન્સને રોકાવામાં આવી હતી. એમ્બ્યુલન્સને રોકાવ્યા બાદ અભિનેતાના અંતિમ દર્શન માટેની જીદ પકડી હતી. ત્યારે લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને એમ્બ્યુલન્સને હાઇવે ઉપર જ ઉભી રાખી દેવામાં આવી હતી. બાદમાં લોકોએ અંતિમ દર્શન કર્યા હતા, જેમાં મહિલાઓએ પણ નરેશ કનોડિયાને અશ્રુભીની વિદાય આપી હતી.