ગાંધીનગરઃ શુક્રવારે ગાંધી જયંતિ નિમિત્તે પોરબંદરના કીર્તિ મંદિરમાં યોજાનારી પ્રાર્થના સભામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે. મુખ્યપ્રધાન ગાંધીજીને ઓનલાઈન ભાવાંજલિ અર્પણ કરશે. આ સાથે જ શુક્રવારે મુખ્યપ્રધાન ગાંધીજીના સ્વચ્છતા અને ગ્રામોત્થાનના વિચારોને સાકાર કરતા બે મહત્ત્વપૂર્ણ કાર્યક્રમો વીડિયો કોન્ફરન્સથી યોજશે.
ગાંધી જયંતિ નિમિત્તે 5 જિલ્લામાં 'નલ સે જલ' યોજના શરૂ થશે: સીએમ રૂપાણી
કેન્દ્ર સરકારનું 'નલ સે જળ' યોજના અંતર્ગત રાજ્યના 5 જિલ્લામાં 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે આ યોજનાનો પ્રારંભ થશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 5 જિલ્લાના ગામોમાં 100 ટકા 'નલ સે જલ' યોજનાની શરૂઆત કરાવશે. આ ઉપરાંત રાજ્યભરમાં 5 લાખ મહિલાઓ એક સાથે હેન્ડ વોશ કરી સ્વસ્છતાનો સંકલ્પ લેશે.
રાજ્યના પાણી પુરવઠા વિભાગ દ્વારા પોરબંદર સહિત આણંદ, મહેસાણા અને ગાંધીનગર જેવા અન્ય 4 જિલ્લામાં 100 ટકા ઘરોને નળથી શુદ્ધ પાણી મળે તે માટે નલ સે જલ યોજનાનો પ્રારંભ કરાવશે. આ યોજના મુખ્યપ્રધાનના હસ્તે સવારે 9.30 વાગ્યે શરૂ કરવામાં આવશે. ત્યારબાદ સવારે 10.30 વાગ્યે મહિલા, બાળ કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત બહુવિધ વિકાસ અવસરમાં બાયસેગ સેટેલાઈટ પ્રસારણ માધ્યમથી જોડાશે. સીએમ વિજય રૂપાણી આ કાર્યક્રમો અંતર્ગત 1001 જેટલી આંગણવાડી અને બ્લોક કચેરીઓના ઈ-લોકાર્પણ ભૂમિપૂજન સંપન્ન કરશે. સમગ્ર રાજ્યમાં 24 સ્થળોએ યોજાનારા આ કાર્યક્રમમાં 5 લાખથી વધુ નારી શક્તિ-માતા-બહેનો એકસાથે હેન્ડ વોશ કરીને પૂજ્ય બાપુના સ્વચ્છતાના સંકલ્પને પાર પાડશે. જિલ્લા કક્ષાએ યોજાનારા આ સમૂહ હેન્ડવોશિંગના અભિનવ પ્રયોગમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના પ્રધાનો, પદાધિકારીઓ પણ જોડાશે.
મહિલા બાળ કલ્યાણ વિભાગના ઉપક્રમે માતા યશોદા એવોર્ડ માટે પસંદ થયેલી શ્રેષ્ઠ આંગણવાડી તેડાગર અને કાર્યકર બહેનોને રાજ્યકક્ષાએ સીએમ અને જિલ્લામાં પ્રધાનો આ એવોર્ડ અર્પણ કરશે. રાજ્યમાં નંદઘર ખાતે ભૂલકાંઓને અપાતી માળખાકીય સુવિધા, પીવાનું પાણી, શૌચાલય, વગેરેના ટ્રેકિંગ, મોનિટરિંગ માટેની NITA એપનું અને ડેશબોર્ડનું ઇ-લોન્ચિંગ પણ આ કાર્યક્રમો દરમિયાન કરવાના છે.