ગુજરાત

gujarat

ETV Bharat / city

આત્મનિર્ભર ભારત: ભારતીય નૌસેનાને વધુ સશક્ત-સુદ્રઢ બનાવવા રાજ્યની રક્ષા શક્તિ યુનિવર્સીટી સાથે MOU કર્યા - ગાંધીનગર સમાચાર

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત' બનાવવાના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં ગુજરાતના પાટનગર ગાંધીનગર સ્થિત રક્ષા શક્તિ યુનિવર્સિટી અને ભારતીય નૌ સેના વચ્ચે આજે MOU કરવામાં આવ્યા હતા.

MOU signed with State Raksha Shakti University
આત્મનિર્ભર ભારત : ભારતીય નૌસેનાને વધુ સશક્ત અને સુદ્રઢ બનાવવા રાજયની રક્ષા શક્તિ યુનિવર્સીટી સાથે MOU કર્યા

By

Published : Aug 13, 2020, 10:46 PM IST

ગાંધીનગર : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત' બનાવવાના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં ગુજરાતના પાટનગર ગાંધીનગર સ્થિત રક્ષા શક્તિ યુનિવર્સિટી અને ભારતીય નૌ સેના વચ્ચે આજે MOU કરવામાં આવ્યા હતા.

આજે તા.13મી ઑગસ્ટ-2020ના રોજ ગાંધીનગર જિલ્લાના દહેગામના લવાડ ગામમાં આવેલી દેશની એકમાત્ર અદ્યતન રક્ષા શક્તિ યુનિવર્સિટી (આર.એસ.યુ.) દ્વારા ભારતીય નૌસેના સાથે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ MOUના મારફતે રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા ભારતીય નૌસેનાને વધુ સશક્ત બનાવવાની દિશામાં હરણફાળ ભરવા સ્ટાર્ટ-અપ અને નવા એકમોને પ્રોત્સાહન આપવામાં આવશે. આ ઉપરાંત બન્ને સંસ્થાઓ દ્વારા સંયુક્ત રિસર્ચ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે તેમજ નૌસેનાના અધિકારીઓને અદ્યતન તાલીમ આપવા સહિતનાં અનેક કાર્યો કરી નૌસેનાને વધુ સુદૃઢ બનાવવામાં આવશે. તે સાથે જ 21મી સદીમાં દેશની રક્ષા માટે નૌસેનાની ક્ષમતાઓને વધારવા રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે.

ભારતીય નૌસેનાને વધુ સશક્ત અને સુદ્રઢ બનાવવા રાજયની રક્ષા શક્તિ યુનિવર્સીટી સાથે MOU કર્યા
ઉલ્લેખનીય છે કે, રક્ષા શક્તિ યુનિવર્સિટીએ હાલમાં પોતાની સ્થાપનાનાં 10 વર્ષ પૂર્ણ કર્યા છે. એક દશકનાં આ સમયગાળા દરમ્યાન દેશની આંતરિક સુરક્ષાને સુદૃઢ કરવા માટે આર.એસ.યુ. દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ, કેન્દ્ર અને રાજ્ય સરકારમાં કાર્યરત ઓફિસરોની સુરક્ષા સંબંધિત વિષયોમાં તાલીમ, સુરક્ષા એજન્સીઓને મદદરૂપ અદ્યતન ટેક્નોલોજીના ક્ષેત્રમાં રિસર્ચ વગેરે જેવા અનેક વિષયોમાં પોતાનું અનેરું યોગદાન આપ્યું છે.

નોંધનીય બાબત છે કે, આરએસયુ સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ભાગીદારો જોડાયેલા છે. વિદેશી અને ભારતીય યુનિવર્સિટીઓ, સંસ્થાઓ, થિંક-ટેન્કો અને ભારતના વિષય તજ્જ્ઞો પણ આરએસયુ સાથે સંકળાયેલા છે. જે વિશ્વમાં કાયદાની મર્યાદામાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા માટેનો ભારતીય દૃષ્ટિકોણ રજૂ કરે છે.

રક્ષા શક્તિ યુનિવર્સિટી તરફથી યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ બિમલ પટેલ તથા ભારતીય નૌસેના તરફથી વાઇસ એડમિરલ જી. અશોકકુમાર દ્વારા આ એમ.ઓ.યુ.પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

ભારતીય નૌસેનાને વધુ સશક્ત બનાવવા તથા સંયુક્ત રિસર્ચ પ્રોજેક્ટ કરવા ઉપરાંત નૌસેનાના અધિકારીઓને અતિ આધુનિક તકનીકોથી તાલીમબદ્ધ કરવા રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા દેશના રક્ષાપ્રધાન રાજનાથસિંહ તેમજ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની ઉપસ્થિતિમાં ભારતીય નૌસેના સાથે MOU પર Online હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details