- કોંગ્રેસે કોરોના મૃતકોને સહાય બાબતે સરકાર પર કર્યા પ્રહાર
- વેલમાં આવીને કોંગ્રેસના સભ્યોએ કર્યા સૂત્રોચ્ચાર
- વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન ગૃહ મુલતવી રાખવામાં આવ્યું
- સીએમની સામે સૂત્રોચ્ચાર કરતા સીએમે ગૃહ છોડ્યું
ગાંધીનગર: ચોમાસા વિધાનસભા સત્રના બીજા દિવસે પ્રશ્નોત્તરીકાળ દરમિયાન કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને આર્થિક સહાય તથા રસીકરણ બાબતે પક્ષ અને વિપક્ષ આમને-સામને આવી ગયાં હતા, જ્યારે રાજ્ય સરકારે પ્રશ્નોત્તરીમાં લેખિતમાં જણાવ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેરને અટકાવવા માટે રાજ્ય સરકાર 100 ટકા રસીકરણ પર વિશેષ ભાર મૂકીને વંચિતો માટે સ્પેશિયલ ડ્રાઇવ યોજી રહી છે. સમગ્ર રાજ્યમાં કુલ 6,00,20,944ને કોરોના રસી આપવામાં આવી છે.
વિધાનસભાગૃહમાં પોસ્ટર વોર
કોરોનામાં મૃતકોને સહાય અને રસીકરણ બાબતે રાજ્ય સરકારે ખોટા આંકડા જાહેર કર્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ બંને પક્ષો આમને-સામને આવી ગયા હતા. કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ પોતાની જગ્યા પર ઊભા થઈને પોસ્ટર વોર શરૂ કર્યું હતું, જેમાં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. અનેક ધારાસભ્યોએ વિધાનસભાગૃહમાં પ્રવેશ અને વિરોધ કર્યો હતો ત્યારે વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યએ વેલમાં આવેલા તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરીને વિધાનસભાગૃહ પ્રશ્નોત્તરીકાળ સુધી મુલતવી રાખવાનો નિર્ણય કર્યો હતો.
વેલમાં રામધૂન કરીને વિરોધ
કોંગ્રેસના ધારાસભ્ય વિધાનસભાગૃહમાં પ્રશ્નો શરૂ કર્યા બાદ વેલમાં આવી ગયા હતા અને ત્યારબાદ વિધાનસભા અધ્યક્ષે વેલમાં આવેલા ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા હતા. તેમ છતાં પણ કોંગ્રેસના ધારાસભ્ય ગૃહમાં બેસી રહ્યા હતા અને લગભગ 20 મિનિટ સુધી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. આ સાથે જ રામધૂન બોલાવીને પણ સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો. રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ વિધાનસભાગૃહમાં આવ્યા. વિરોધ સતત ચાલતો હોવાના કારણે ભુપેન્દ્ર પટેલે ગૃહ છોડ્યું હતું, ત્યારે પણ કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ કરીને સૂત્રોચ્ચાર કર્યો હતો કે 'ભાગ ગયા રે મુખ્યપ્રધાન, ભાગ ગયા'. આ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્યોએ 'રક્ષણ કરો ભાઈ, રક્ષણ કરો લોકશાહીનું રક્ષણ કરો' તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.