- રાજ્યમાં 5 વર્ષની ઉજવણીમાં આજે શનિવારે વિકાસ દિનની ઉજવણી
- કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 5300 કરોડના કામનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત
- સરકાર અને સંગઠનમાં કોઈ મતભેદ નહિ હોવાનો નીતિન પટેલનો દાવો
ગાંધીનગર :રાજ્યના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી(CM Rupani )ને પાંચ વર્ષ પૂર્ણ થતા સરકાર દ્વારા 9 દિવસ અલગ અલગ વિષયો પર રાજ્યમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આજે શનિવારે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે "વિકાસ દિન"ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એક જ મંચ પરથી રાજ્યના અલગ અલગ જિલ્લાઓ અને તાલુકાઓમાં એક જ સમયે તે 5300 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું, જ્યારે ગાંધીનગર પાસે આવેલા નવા બ્રિજનું પણ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે( Union Home Minister Amit Shah ) વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત ગૃહ પ્રધાન અમિત શાહના લોકસભા વિસ્તારમાં 900 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:"રૂપાણી સરકારના પાંચ વર્ષ" : મુખ્યપ્રધાનની જાહેરાત, "કચ્છમાં કૃષિ યુનિવર્સિટીની કોલેજ બનાવાશે"
સરકાર અને સંગઠનમાં કોઈ મતભેદ નહિ
વિકાસની ઉજવણી નિમિત્તે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી જે રીતે વિકાસનો પાયો નાખી ગયા છે તે વિકાસનો પાયો અમે આગળ વધાર્યો છે, જ્યારે સંગઠનના તમામ જૂના જોગીઓને પણ નીતિન પટેલે યાદ કર્યા હતા. આ ઉપરાંત, જીતુ વાઘાણી, ભીખુ દલસાણીયા, ભૂપેન્દ્ર યાદવ તમામે સરકાર અને સંગઠન એક સાથે મળીને ગુજરાતના વિકાસમાં અવિરત પણે કાર્ય કર્યું છે. વધુમાં નીતિન પટેલે પોતાના ભૂતકાળને યાદ કરતા જણાવ્યું હતું કે, હું ૧૯૯૦માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યો હતો અને ત્યારે મે કહ્યું હતું કે, જો દેશ અને રાજ્યનો વિકાસ કરવો હોય તો રાજકીય સ્થિરતા જરૂરી છે, આમ સંગઠનનો સહયોગ અને પ્રજાનું કામ કરવાથી હાલ ગુજરાત ગૌરવવંતુ બન્યું છે.
ગુજરાત મહારાષ્ટ્રથી અલગ થયું હવે ગુજરાત શું કરશે ?
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, જ્યારે ૧૯૬૦માં ગુજરાત અને મહારાષ્ટ્ર બન્ને અલગ અલગ રાજ્ય બન્યાં ત્યારે લોકો વાતો કરી રહ્યા હતા કે, હવે ગુજરાત શું કરશે કેવી રીતે આવક મેળવશે તે ગુજરાત પાસે તો ફક્ત દરિયાકિનારાનો કાળો પટ્ટો જ છે, ત્યારે હાલ વર્તમાન સમયમાં ગુજરાત શ્રેષ્ઠ તરીકે સ્થાન મેળવનાર રાજ્ય બન્યું છે, પરંતુ ભવિષ્યમાં સમય સાથે ચાલીને ગુજરાતનો અવિરતપણે વિકાસ કરવાની વાત પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવી હતી. કેન્દ્ર સરકારના તમામ વિભાગની મદદ મેળવીને ગુજરાતને ઉત્તમ કે સર્વોત્તમ બનાવવાની જાહેરાત કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આ ઉજવણી ફક્ત સરકારની નહીં, પરંતુ ગુજરાત રાજ્યના 6.5 કરોડ જનતાની ઉજવણી છે.