- બાળકને દત્તક લેવા અનેક પરિવારો તૈયાર થયા
- ભાગેડું પિતાને રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યો
- તપાસ દરમ્યાન CCTVમાં એક શંકાસ્પદ સેન્ટ્રો કાર દેખાતા ભાંડો ફુટ્યો
ગાંધીનગર: પેથાપુરની ચકચારી બનેલી ઘટનામાં બાળકના માતા પિતાને રાજસ્થાનથી ગાંધીનગર લાવવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે આરાધના બંગલોમાં પૂછપરછ હાથ ધરવામાં આવી છે. હાલ પત્નીની LCB દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે આ બાદ SOG દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવશે.
બાળક સચિનની પત્નીનું નથી : ગૃહ પ્રધાન
ગૃહપ્રધાને જણાવ્યું હતું કે, ગતરાતના 11:30 વાગ્યાથી હું પોલીસના સંપર્કમાં હતો. મીડિયાની ટીમ, ગાંધીનગર પોલીસ અને નાગરિકો પણ માતા પિતાની શોધવા માટે મહેનત કરી હતી. જેના કારણે બાળકના પિતાની ઓળખ થઇ ગઇ છે. આ બાળકનું નામ શિવાંશ છે, અને તેની ઉંમર 8 થી 10 માસ હોઇ શકે છે. બાળકના પિતા ઉત્તરપ્રદેશના છે અને વડોદરાની એક કંપનીમાં કામ કરે છે. ગાંધીનગરના સેક્ટર 6માં તે પોતાના માતા-પિતા સાથે રહે છે. જો કે આસપાસના લોકો સાથે વાત કરતાં સામે આવ્યું છે કે, આ બાળક સચિનની પત્નીનું નથી. સચિનને માત્ર એક 4 વર્ષનો દિકરો છે. હવે આ ઘટનામાં શું હકીકત છે તે સચિનની પુછપરછથી જ સામે આવી શકે છે. જો કે સચિનને રાજસ્થાનના કોટાથી ઝડપી પાડવામાં આવ્યો છે અને તેની ગાંધીનગર લાવવામાં આવી રહ્યો છે ત્યારે આ અંગે વધુ વિગતો સામે આવી છે.
બાળકને દતક લેવા માટે અનેક પરિવારોના ફોન આવ્યા - ગૃહપ્રધાન હર્ષ સંઘવી
ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ બાળકના માતા પિતાને શોધવા માટે જૂદા જૂદા વિભાગની 14 જેટલી ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમ દ્વારા CCTV, ટેકનિકલ બાબતોને લઈને આસપાસના શહેરો અને ગામડાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને આખરે પોલીસ, પત્રકારો, અને જનતાના સહિયારા પ્રયાસોથી આ બાળકના માતા પિતાને શોધવામાં સફળતા મળી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મીડિયામાં અને સોશિયલ મીડિયામાં બાળકના ફોટા વાયરલ થતાં, બાળકને દતક લેવા માટે ગુજરાતભર માંથી અનેક પરિવારોના મારી ઓફિસમાં કુલ 190 થી વધુ ફોન આવ્યા હતા.