અમદાવાદઃ ગાંધીનગરનું કવરેજ કરતાં એક ખાનગી ચેનલના પત્રકારને આજે સવારે કોરોના પોઝિટિવ રીપોર્ટ આવ્યો, ત્યાર પછી રાજ્ય સરકારે નિર્ણય કર્યો કે, આજના તમામ પ્રેસ બ્રિફિંગ બંધ રાખવામાં આવ્યા છે. અગાઉ ઈટીવી ભારત સહિત કેટલાક મીડિયા દ્વારા રાજ્ય સરકારને પ્રેસ બ્રિફિંગ બંધ કરવા અને વીડિયો બાઈટ અને નોટ મોકલી આપવા રજૂઆત કરી હતી. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા કોરોના પોઝિટિવ હતા અને તેઓ જ્યારે ગાંધીનગર ગયા હતા, ત્યારે પ્રેસ કોન્ફરન્સના સ્થળે જ પત્રકારોને મળ્યા હતા, તેમ છતા પ્રેસ બ્રિફિંગ ચાલુ રખાયું હતું. રાજ્ય સરકાર દ્વારા દિવસમાં ચાર વખત બ્રિફિંગ કરાતું હતું. તમામ ચેનલના કેમેરામેન અને પત્રકારો એક જ રૂમમાં ભેગા થતા હતા, આ સ્થિતિ ભયજનક છે, તેમ છતાં પ્રેસ બ્રિફિંગ કરાતું હતું.
કોરોના લાઈવ પ્રેસ કોન્ફરન્સઃ ગુજરાત સરકારનો મોડો પણ યોગ્ય નિર્ણય, જાગ્યા ત્યાંથી સવાર… - ફેસબૂક લાઈવ
ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, લોકડાઉન હોવા છતાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધતી જઈ રહી છે. 26 એપ્રિલથી નાના દુકાનો અને વ્યવસાય ખોલવાના રાજ્ય સરકારના નિર્ણય પછી રાજ્ય સરકારે યુ ટર્ન લેવો પડ્યો હતો, અને 3 મે સુધી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સૂરતમાં 3 મે સુધી સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવો કર્યો હતો. તેવી જ રીતે રાજ્ય સરકારે આજે મોડો મોડો પણ યોગ્ય નિર્ણય લીધો છે કે આજથી તમામ લાઈવ પ્રેસ કોન્ફરન્સ બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો છે.
જો કે આજે ગાંધીનગરના એક ખાનગી ચેનલના પત્રકારને કોરોના પોઝિટિવ આવ્યો તો તુરંત જ તમામ બ્રિફિંગ રદ કરી નાંખ્યા છે. સરકાર ધારે તો સોશિયલ મીડિયા દ્વારા પણ લાઈવ કરીને તેમની વાત રજૂ કરી શકે છે. અથવા વીડિયો બાઈટ રેકોર્ડિંગ કરીને આપી શકે છે. ડિજિટલ મીડિયાની આટલી બધી સગવડ છતાં રાજ્ય સરકાર દ્વારા દિવસમાં ચાર વખત પ્રેસ બ્રિફિંગ કરાય છે, તે ચેનલના પત્રકારો અને કેમેરામેન માટે જોખમી હતું. પત્રકાર અને કેમેરામેન કયા વિસ્તારમાંથી આવે છે, તે પણ કોઈને ખબર હોતી નથી, હોટસ્પોટવાળા વિસ્તારમાં રહેતો પત્રકાર કે, કેમેરામેન લાઈવ પ્રેસ બ્રિફિંગ કરવા આવતો હોય તો કોઈને તેની ખબર ન હોય. વૈશ્વિક મહામારીની સ્થિતિમાં સરકારે પ્રેસ કોન્ફરન્સ લાઈવ કરવાને બદલે રેકોર્ડિંગ કરીને બુલેટિન આપી દેવું જોઈએ, તેવું મોટાભાગના પત્રકારો ઈચ્છી રહ્યા છે.
અત્રે નોંધનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરા અને પોલીસ કમિશ્નર ફેસબૂક લાઈવ કરીને પત્રકારોને તમામ માહિતી આપી રહ્યા છે. અને પત્રકારોના સવાલના જવાબ પણ આપી રહ્યા છે. તેમણે કેટલાય દિવસો પહેલેથી લાઈવ પ્રેસ કોન્ફરન્સ બંધ કરી દીધી છે, જે સરાહનીય છે.