ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતમાં મુખ્યપ્રધાનના નામની ચર્ચા, રૂપાણી નહિ તો કોણ ? - if not Rupani then who

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના નિવેદન પછી ગુજરાતના મુખ્યપ્રધાન બદલાય છે, તેવી વાતોએ જોર પકડ્યું છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે, વિજય રૂપાણીના 5 વર્ષની ઉજવણી નથી, તેમને પાંચ વર્ષ થયા છે, તેમના વિદાયની ઉજવણી થઈ રહી છે. જો રૂપાણી મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપે તો પછી ભાજપ હાઈકમાન્ડ કોને મુખ્યપ્રધાન બનાવે ? તે જાણવા માટે વાંચો ETV Bharat નો વિશેષ અહેવાલ…

ગુજરાતમાં મુખ્યપ્રધાનના નામની ચર્ચા, રૂપાણી નહિ તો કોણ
ગુજરાતમાં મુખ્યપ્રધાનના નામની ચર્ચા, રૂપાણી નહિ તો કોણ

By

Published : Aug 3, 2021, 7:44 PM IST

  • રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણી વચ્ચે રાજકારણમાં ગરમાવો
  • સંગઠન મંત્રી તરીકે ભીખુભાઇ દલસાણીયાના સ્થાને રત્નાકરની નિયુક્તિ
  • વિજય રૂપાણી બાદ ભીખુ દલસાણીયાનું નામ મુખ્યપ્રધાન તરીકે મોખરે

ગાંધીનગર: ભાજપ પક્ષમાં ક્યારે અને કેવી રીતે પરિવર્તન થાય છે તે હજુ ભાજપના કાર્યકર્તાઓ પણ જાણી શક્યા નથી. ત્યારે અચાનક કેન્દ્રીય ભાજપ દ્વારા પહેલી ઓગસ્ટના રોજ ગુજરાત ભાજપના પ્રદેશ સંગઠન મંત્રી તરીકે મૂળ ઉત્તરપ્રદેશના રત્નાકરની નિયુક્તિ કરાઈ છે. હવે ગુજરાતની રાજનીતિમાં પણ મોટો ફેરફાર થઈ શકે તેવી પણ સંભાવનાઓ રાજકીય સુત્રો તરફથી પ્રાપ્ત થઇ રહી છે. જ્યારે ભીખુભાઇ દલસાણીયાને ગુજરાત સરકારમાં મહત્વની જવાબદારી સોંપાય તેવી ચર્ચાઓ થઈ રહી છે.

ગુજરાતમાં હવે મુખ્યપ્રધાનના નામની ચર્ચા

એક તરફ વિજય રૂપાણીને મુખ્યપ્રધાન તરીકે 5 વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ કેન્દ્રીય ભાજપ દ્વારા પ્રદેશ સંગઠન મંત્રી ભીખુભાઇ દલસાણીયાની જગ્યાએ ઉત્તરપ્રદેશના રત્નાકરની નિમણૂક કરવામાં આવી છે. ભાજપના ફેરબદલ પછી હવે ગુજરાતમાં મુખ્યપ્રધાન બદલાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ગુજરાતના મુખ્યપ્રધાન પદે વિજય રૂપાણી નહી તો પછી કોણ? તે સવાલ ઉભો થાય. રૂપાણી પછી મુખ્યપ્રધાનના નામની જો વાત કરવામાં આવે તો પાટીદાર સમાજમાંથી ભીખુભાઈ દલસાણીયા, નીતિન પટેલ તથા OBC સમાજમાંથી કોઈ એક ચહેરો કે જે રત્નાકરની એકદમ નજીક હોય તેને મુખ્યપ્રધાન તરીકેની જવાબદારી મળી શકે તેવી વાતો વહેતી થઇ છે.

ભીખુભાઈ દલસાણીયા

ભીખુભાઇ દલસાણીયાને મુખ્યપ્રધાન બનાવાય, તો કેમ?

ગુજરાતના મુખ્યપ્રધાનની રેસમાં ભીખુભાઈ દલસાણીયાનું નામ સૌથી મોખરે છે. ભીખુ દલસાણીયા 2005થી ભાજપમાં સંગઠન મંત્રી તરીકે અતિમહત્વની ભૂમિકા ભજવી રહ્યા હતા, તેઓ સંગઠનમાં સહમંત્રી અને સંગઠન મંત્રી તરીકેની મહત્વની જવાબદારી ભજવીને સંગઠનને વધુમાં વધુ મજબૂત કરવામાં સિંહફાળો આપ્યો છે. તેઓ પાટીદાર અગ્રણી નેતા પણ છે. આશ્ચર્ય એ વાતનું છે કે, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું કે, છેલ્લા કેટલાય વર્ષોથી ભીખુભાઈ દલસાણીયા ભાજપ સંગઠનમાં કાર્યરત છે અને તેઓને અચાનક જ તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. ત્યારે ભાજપ હવે તેણને પણ ખાસ મહત્વની જવાબદારી આપશે. તેનો અર્થ એવો થાય છે કે, ભાજપ હાઈકમાન્ડ ભીખુ દલસાણીયાને મુખ્યપ્રધાન બનાવે તો નવાઈ નહી, અને તેમની આગેવાનીમાં 2022ની વિધાનસભાની ચૂંટણી પણ લડાઈ શકે છે.

નીતિન પટેલ

શું નીતિન પટેલ મુખ્યપ્રધાન બનશે?

રાજ્યના મુખ્યપ્રધાન તરીકે જો નીતિન પટેલની નિમણૂક કરવામાં આવે તો તેની પાછળ પણ અનેક મહત્વના ફેકટર છે. નીતિન પટેલ રાજ્ય સરકારમાં છેલ્લા કેટલાય વર્ષોથી મહત્વની જવાબદારીઓ પર પોતાની કુશળતા બતાવી છે. તેમની પાસે રાજ્યના વહીવટનો બહોળો અનુભવ છે. આ ઉપરાંત પાટીદાર સમાજ પર સારી પકડ હોવાને કારણે તેઓનું મુખ્યપ્રધાન તરીકે નામ સામે આવી રહ્યું છે પરંતુ વર્ષ 2017માં ખાતાની ફાળવણીને લઇને નીતિનભાઈ રિસાયા હતા અને જે કલેશ ઉભો થયો હતો તેને પણ ભાજપની કેન્દ્રીય ટીમ નજરઅંદાજ કરશે નહીં. જોકે, તાજેતરમાં જ ખોડલધામમાં નરેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, મુખ્યપ્રધાન તો પાટીદાર જ હોવા જોઈએ. જેથી તે પણ રાજકીય ચર્ચાનો મુદ્દો બન્યો હતો. આ નિવેદન બાદ વિવિધ જ્ઞાતિના આગેવાનોએ પોતાની જ્ઞાતિના CMની માગ કરી હતી. પરંતુ નીતિન પટેલ પાટીદારો માટે ખૂબ જ જાણીતો ચહેરો હોવાથી તેમને મુખ્યપ્રધાન બનાવી શકાય તેમ છે. વિજય રૂપાણીને મુખ્યપ્રધાન તરીકે 5 વર્ષ પૂર્ણ થયા છે, હવે પછી ડીસેમ્બર 2022 સુધી જો નીતિન પટેલને CM બનાવીને રિસાયેલા પાટીદારોને મનાવી લેવામાં આવે તો આગામી ચૂંટણી સુધીમાં પાટીદારોની મતબેંક પણ અકબંધ થઈ જાય તેવી શક્યતાઓ રહેલી છે.

વજુભાઈ વાળા

શું વજુભાઈ વાળાનું મુખ્યપ્રધાન બનવાનું સ્વપ્ન પુરુ થશે?

વજુભાઈ વાળાને તાજેતરમાં જ કર્ણાટકના ગવર્નરપદેથી મુક્ત કરાયા છે અને તેઓ તેમના હોમ ટાઉન રાજકોટ પરત ફર્યા છે. તેમણે એક મહત્વનું નિવેદન આપ્યું હતું કે, હું હજી નિવૃત થયો નથી. પાર્ટી મને જે જવાબદારી આપશે તે નિભાવીશ અને પાર્ટીના કાર્યકર તરીકે કામ કરીશ. CM વિજય રૂપાણી પણ તેમના જન્મદિવસે વજુભાઈ વાળાના આશિર્વાદ લેવા તેમના ઘરે ગયા હતા. વજુભાઈ ભાજપના ખૂબ જ સિનિયર નેતા છે. તેઓ વહીવટી કુશળતાની સાથે તેમની રમૂજવૃત્તિથી કામ કઢાવી લેવાની કળા પણ ધરાવે છે. 2001માં નરેન્દ્ર મોદી માટે રાજકોટની બેઠક તેમણે ખાલી કરી આપી હતી. નરેન્દ્ર મોદીના વિશ્વાસુ નેતા છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યાર બાદ ગુજરાતના મુખ્યપ્રધાન બનવાની રેસમાં વજુભાઈનું નામ મોખરે હતું, ત્યારે વજુભાઈને કર્ણાટકના ગવર્નર બનાવીને આનંદીબહેન પટેલને મુખ્યપ્રધાન બનાવ્યા હતા. જેના કારણે ગુજરાતના મુખ્યપ્રધાન બનવાનું વજુભાઈ વાળાનું સ્વપ્ન પણ અઘુરુ રહ્યું હતું, જે કદાચ પુરુ થાય તેવું બની શકે છે.

પ્રફુલ પટેલ

પ્રફુલ પટેલ કેન્દ્રશાસિત પ્રદેશમાંથી પરત ફરશે?

ગુજરાતના આગામી મુખ્યપ્રધાનની રેસમાં પ્રફુલ પટેલનું નામ સાંભળતા જ સૌ કોઈ ચોંકી જશે, પરંતુ ભાજપ હાઈકમાન્ડ પણ આવી જ રીતે નામ જાહેર કરીને બધાને ચોંકાવવામાં માને છે. વડાપ્રધાન મોદીના વિશ્વાસુ અને લક્ષદ્વીપના પ્રસાશક પ્રફુલ પટેલને કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ ગુજરાતમાં નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળમાં ગૃહપ્રધાન પણ રહી ચૂક્યા છે અને દીવ-દમણ ગુજરાતથી નજીક પણ છે. જેથી તેઓ ગુજરાતથી સારી રીતે વાકેફ છે. 2007માં ગુજરાત વિધાનસભામાં હિંમતનગર બેઠક પર ચૂંટાઈને આવ્યા હતા. તેમના પિતાજી ખોડાભાઈ રણછોડભાઈ પટેલ પણ RSS સાથે છેડા ધરાવે છે. નરેન્દ્ર મોદી તેમની ઘણીવાર મુલાકાત લઈ ચુક્યા છે. સૌહરાબુદ્દીન શેખની હત્યાના કેસમાં અમિત શાહ પર ચાર્જ લાગ્યો અને તેઓ જેલમાં ગયા ત્યારે તે જગ્યા પર પ્રફુલ પટેલની નિમણૂક થઈ હતી. તે વખતે પ્રફુલ પટેલને અમિત શાહના 10માંથી 8 વિભાગ સોંપવામાં આવ્યા હતા. આમ પ્રફુલ પટેલના અનુભવને જોતા તેમને પ્રમોશન આપીને ગુજરાતના મુખ્યપ્રધાન બનાવાય તો નવાઈ નહી.

2022ની ચૂંટણી વિજય રૂપાણીના નેતૃત્વમાં જ લડાશે ?

અગાઉ ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સ્પષ્ટપણે કહી ચૂક્યા છે કે, વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી વિજય રૂપાણીના નેતૃત્વમાં જ લડાશે. પરંતુ જે પ્રકારે ભાજપ હાઈકમાન્ડ બધાને ચોંકાવવામાં માને છે, તે મુજબ કંઈ પણ થઈ શકે છે. વિધાનસભાની ચૂંટણી માટે હજુ અંદાજે દોઢ વર્ષ જેટલો સમય બાકી છે. ત્યાં સુધીમાં રાજકારણના સમીકરણો બદલાઈ પણ શકે છે.

જાણો શું કહે છે, રાજકીય તજજ્ઞ દિલીપ ગોહિલ

જાણો શું કહે છે, રાજકીય તજજ્ઞ દિલીપ ગોહિલ

રાજકીય તજજ્ઞ દિલીપ ગોહિલના જણાવ્યા મુજબ, રાજ્યમાં વિજય રૂપાણીએ પાંચ વર્ષ સફળ રીતે પૂર્ણ થયા છે. કોવિડ દરમિયાન લોકોને પ્રાથમિક સેવા ન મળી શકી હતી. જેના કારણે લોકો વિજય રૂપાણીથી નારાજ થયા હતા, પરંતુ તેના કારણે મુખ્યપ્રધાન બદલાઈ જાય તેવો કોઈ અવકાશ લાગી રહ્યો નથી. ભાજપ સરપ્રાઇઝ આપવામાં માહેર છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીને બદલે તો મનસુખ માંડવીયાને ગુજરાતની કમાન આપવામાં આવી શકે છે. આ સિવાય પરસોત્તમ રૂપાલા, પ્રદીપસિંહ જાડેજા તેમજ અગાઉ પણ મુખ્યપ્રધાનની રેસમાં શામેલ નીતિન પટેલનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. જોકે, હાલમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને બદલાય તેવી કોઈ સંભાવના લાગી રહી નથી.

જાણો શું કહે છે, રાજકીય તજજ્ઞ જયવંત પંડ્યા

જાણો શું કહે છે, રાજકીય તજજ્ઞ જયવંત પંડ્યા

અન્ય એક રાજકીય તજજ્ઞ જયવંત પંડ્યાએ જણાવ્યું કે, ગુજરાતના રાજકારણમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીને હાલ કોઈ બદલી શકે તેવું લાગી રહ્યું નથી. કારણ કે, વિજય રૂપાણી ખૂબ જ શાંત અને સરળ સ્વભાવ ધરાવે છે. બીજી તરફ મોદી-શાહના નજીકના વ્યક્તિ માનવામાં આવી રહ્યા છે. જેથી હાલ તેઓને બદલી શકે તેવું લાગી રહ્યું નથી.

અમદાવાદથી બ્યૂરો ચીફ ભરત પંચાલ સહિત પાર્થ જાની અને પાર્થ શાહનો વિશેષ અહેવાલ…

ABOUT THE AUTHOR

...view details