ગાંધીનગરઃ ગાંધીનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખની વરણી થયા બાદ પહેલી વખત સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભાની શરૂઆતમાં ભાજપના નવનિર્વાચિત વિપક્ષ નેતા નિયલ પટેલે આમંત્રિત સભ્યોને હોલમાં પ્રવેશ આપવા માટે અવાજ ઉઠાવ્યો હતો. ત્યારબાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેની સાથે જ કોંગ્રેસના આમંત્રિત સભ્યને પણ પ્રવેશ મળ્યો હતો. સામાન્ય સભામાં સત્તા બાદ વિપક્ષમાં બેઠેલાં ભાજપના સભ્યોએ પણ વિપક્ષના નેતાના અવાજને ટેકો આપ્યો હતો.
ગાંધીનગર તાલુકા પંચાયતમાં આખરે અઢી વર્ષના શાસન બાદ કારોબારી ચેરમેને સત્તા સંભાળી, વિપક્ષના નેતાની વરણી - ગાંધીનગર ભાજપ
ગાંધીનગર તાલુકા પંચાયતની આજે શુક્રવારે સામાન્ય સભા મળી હતી અને ભાજપના શાસન બાદ ભાજપની 6 સીટ રદ થતાં કોંગ્રેસના હાથમાં સત્તા સૂત્રો આવ્યાં છે. ત્યારે અઢી વર્ષના શાસન બાદ તાલુકા પંચાયતના કોંગ્રેસના કારોબારી ચેરમેનને સત્તા સોંપવામાં આવી છે. જ્યારે ભાજપમાં વિપક્ષના નેતાની વરણી કરવામાં આવી હતી. વર્ષ 2020-21ની સ્વભંડોળની ગ્રાન્ટ કારોબારી ચેરમેને સોંપવામાં આવે છે ત્યારે અન્ય કામગીરી પ્રમુખ સ્થાને રાખવામાં આવી છે.
કોંગ્રેસના સભ્ય મહોતજી ઠાકોરે ગત સામાન્ય સભામાં ભાજપે બહુમતીના જોરે પસાર કરેલા કામોને રદ કરવા માટે અવાજ ઉઠાવ્યો હતો. પરંતુ સામાન્ય સભાના સચિવ તાલુકા વિકાસ અધિકારી જી.એ. ધાંધલીયાએ તે નિયમ વિરુદ્ધ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસના સભ્યો તે બાબતે શાંત પડ્યાં હતાં. ગત સામાન્ય સભામાં 7 કરોડ 20 લાખના કામને મંજૂર કરવામાં આવ્યાં હતાં. કુલ 312 વિકાસના કામ મંજૂર કરવામાં આવ્યાં છે. જેમાં 5 કરોડ 65 લાખના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જ્યારે દોઢ કરોડ રૂપિયાની ગ્રાન્ટ બચત થવા પામી છે.