- કોરોના અને આંશિક લોકડાઉનના પગલે નિર્ણય
- મિલકતવેરો ભરપાઇ કરવા ઉપર 10 ટકા વળતર
- ઓનલાઇન ચૂકવણીના 2 ટકા વળતર
ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરો ભરપાઇ કરવા ઉપર 10 ટકા વળતર અને ઓનલાઇન મિલકતવેરાની ચૂકવણીના 2 ટકા વળતર આપવાની યોજના આગામી તારીખ 30મી જૂન સુધી લંબાવવામાં આવી છે તેવું મ્યુનિસિપલ કમિશનર ડૉ.રતનકંવર ગઢવી ચારણે જણાવ્યું હતું. ઓનલાઈન મિલકતવેરાની ચૂકવણી કરવા કચેરીની વેબસાઈટ www.gandhinagarmunicipal.com તેમજ https://enagar.gujarat.gov.inની મુલાકાત લેવાની રહેશે.
આ પણ વાંચોઃ કોરોના કાળમાં ખેડૂતોને મોટી રાહત, પાક ધિરાણની ભરપાઇની મુદ્દત 30 જૂન સુધી કરાઇ
વળતરનો લાભ મળે તેના માટે 10 ટકા વળતર યોજનાને લંબાવાઈ
મ્યુનિસિપલ કમિશનર ડૉ.રતનકંવર ગઢવી ચારણે વધુમાં જણાવ્યું છે કે, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નાણાંકીય વર્ષ 2020-21માં મિલકતવેરો ભરપાઈ કરવા ઉપર 10 ટકા વળતર તેમજ ઓનલાઇન મિલકતવેરાની ચૂકવણીના 2 ટકા વળતર આમ કુલ 12 ટકા વળતર યોજના હાલમાં અમલી છે. કોરોના મહામારીના પગલે આવેલી લોકડાઉનની સ્થિતિના કારણે ઘણા મિલકતધારકો સમયસર મિલકતવેરાની ચૂકવણી કરીને 10 ટકા વળતરનો લાભ લેવાનું ચૂકી ગયા છે, ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તેમને વળતરનો લાભ મળે તેના માટે 10 ટકા વળતર યોજનાને તારીખ 30મી જૂન સુધી લંબાવવામાં આવી છે.
આ પણ વાંચોઃ વડોદરામાં 1 જૂનથી 30 જૂન સુધી વેરો ભરનારાને મહાનગરપાલિકા 10 ટકા વળતર આપશે
જનસેવા કેન્દ્ર પર પણ ઓફલાઈન મિલકતવેરો ભરી શકાશે
ગાંધીનગર મહાનગરપાલિકાના જનસેવા કેન્દ્ર પર સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સાથે માસ્ક પહેરીને આવતા મિલકતધારકો માટે રોકડમાં અને ચેકથી મિલકતવેરાના નાણાં સ્વીકારવાની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. જનસેવા કેન્દ્ર પર તારીખ 1 જૂનથી 30 જૂન સુધી (જાહેર રજાના દિવસો સિવાય) ઓફલાઇન નાણાં સ્વીકારવાનો સમય સવારે 9 કલાકથી સાંજના 4 કલાક સુધી રાખવામાં આવ્યો છે. 31 મે સુધી કુલ રૂપિયા 7.9 કરોડ જેટલી રકમ મળી છે.