- રાજ્યમાં 7 ઓક્ટોબર થી શરૂ થશે નવલી નવરાત્રી
- 2 વર્ષ પછી થઈ રહ્યું છે ગરબાનું આયોજન
- ગૃહ વિભાગ અને આરોગ્ય વિભાગની શેરી ગરબામાં રહેશે નજર
- જો પોઝિટિવ કેસ આવશે તો ગરબા થશે રદ
ગાંધીનગર : ગુજરાત રાજ્યની આગવી ઓળખ એટલે નવરાત્રિ (Naratri2021) અને નવરાત્રિમાં ગરબાનાં રમે તો ગુજરાતીઓને ન જ ચાલે. પરંતુ કોરોનાની વૈશ્વિક બીમારી ચાલી રહી છે ત્યારે બે વર્ષ બાદ રાજ્ય સરકારે ગુજરાતમાં શેરી ગરબાની મંજૂરી આપી છે. જ્યારે કોમર્શિયલ ગરબાની કોઈ જ પ્રકારની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી નથી. ગુજરાતમાં યોજાનારા શેરી ગરબા બાબતે આજે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારના અલગ અલગ વિભાગો સાથે બેઠક કર્યા બાદ નવરાત્રિના આયોજન બાબતે મંજૂરી આપી છે.
જો શેરી ગરબામાં પોઝિટિવ કેસ આવશે તો ગરબા રદ
ગૃહ વિભાગના નોટિફિકેશન પ્રમાણે રાજ્ય સરકારે શેરી ગરબાને મંજૂરી આપી છે. ત્યારે શેરીગરબા દરમ્યાન જે તે શેરીમાંથી અથવા તો સોસાયટીમાંથી કોરોના પોઝિટિવનો કેસ સામે આવશે તો જે તે સોસાયટીના શેરીગરબા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે. જ્યારે તે સોસાયટીને કન્ટેનમેન્ટ ઝોનમાં પણ ફેરવી દેવામાં આવશે.
રાત્રિના 12 વાગ્યા સુધી રમી શકાશેે ગરબા
ગુજરાત રાજ્યમાં નવરાત્રીનો (Naratri2021) 7 ઓક્ટોબરથી પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે રાત્રિના 12 વાગ્યા સુધી જ ગરબા રમી શકાશે. હાઈકોર્ટનો પણ હુકમ છે કે રાત્રિના 12 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર વગાડી શકાશે. જ્યારે પોલીસ દ્વારા કઈ રીતે કાર્યવાહી કરવામાં આવશે તેના જવાબમાં સંઘવીએ જણાવ્યું હતું કે લોકોને તકલીફ ન પડે તે રીતે પોલીસ ફક્ત કાયદા અને નિયમોનું સંચાલન કરશે.
વેક્સીન લીધી હશે તેવા જ લોકો રમી શકશે ગરબા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં કોરોના રસીકરણની (Corona vaccination) કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે ત્યારે નવરાત્રી (Naratri2021) દરમિયાન ગરબા રમવા માટે વેક્સીન લીધી હશે તેવા લોકો જ ગરબા રમી શકશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર કોરોના રસીકરણની કામગીરી ઝડપથી કરી રહી છે ત્યારે નવરાત્રિમાં યુવાનો વધુમાં વધુ વેક્સિન લે તે બાબતે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
આ વર્ષે 2 નોરતાં જોડે
ગુજરાતની આગવી ઓળખ એવી નવરાત્રીમાં આ વર્ષે ફક્ત 8 દિવસ જ રમી શકાશે. કારણ કે ત્રીજું અને ચોથું નોરતુંં બંને એકસાથે હોવાના કારણે આ વર્ષે 8 નોરતામાં ખેલૈયાઓ ગરબે ઘૂમી શકશે.
આ પણ વાંચોઃ સરકારે ગરબાની મંજૂરી આપતા ખેલૈયાઓમાં જોવા મળી રહ્યો છે અનેરો ઉત્સાહ
આ પણ વાંચોઃ ખેલૈયાઓ માટે મોટા સમાચાર, વેક્સિન લીધી હશે તે જ ગરબા કરી શકશે