ગાંધીનગર: માજી સૈનિકોની મુખ્ય માગણીઓમાં સૈનિક જ્યારે ફરજ દરમિયાન મૃત્યુ પામે ત્યારે તેની વિધવા પત્નીને રૂપિયા 1 કરોડની સહાય આપવી જોઈએ. તે ઉપરાંત સૈનિકોને નિવૃત્તિ બાદ આપવામાં આવતી જમીન પણ સરકાર દ્વારા આપવામાં આવતી નથી. સૈનિકો ફરજ બાદ સરકારમાં કોન્ટ્રાક્ટ પ્રથામાં લેવામાં આવે છે. ત્યારે 5 વર્ષના સમયગાળાને સૈનિકો માટે દૂર કરવો જોઈએ. આ સિવાય તેમની માગણીઓમાં શહીદ સૈનિકના એક પુત્ર અથવા સભ્યને સરકારી નોકરી અને પરિવારને પેન્શન, સંતાનોને ઉચ્ચ અભ્યાસ અંગેના પ્રવેશમાં છૂટછાટ કે અનામત અને અભ્યાસનો ખર્ચ સરકાર ઉઠાવે અને ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનું શહીદ સ્મારક બનાવવામાં આવેનો સમાવેશ થાય છે.
માજી સૈનિક અને આગેવાન એવા જિતેન્દ્ર નિમાવતે કહ્યું હતું કે, ‘સરકારે ફીક્સ પે જેવા કોર્ટમાં ચાલતા મુદ્દા સિવાયના 12 મુદ્દા પર 10 દિવસમાં સંબંધિત વિભાગ સાથે મિટિંગ કરીને હકારાત્મક ઉકેલની બાંહેધરી આપી છે. અમને સરકાર પર પૂર્ણ વિશ્વાસ છે એટલે હાલ આંદોલન સમેટીએ છીએ, પરંતુ જો અમારી માગણીઓને લઈને થોડો પણ હકારાત્મક ઉકેલ નહીં આવે, તો હવે પછીનું આંદોલન સરકાર માટે જોવા જેવું હશે.’