- રાજ્યમાં શ્રમિકો બનશે હવે ટેકનોલોજી સેવી
- રાજ્ય સરકારે મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી
- શ્રમિકોએ ઓનલાઈન નોંધણી માટે કરવી પડશે ઓનલાઈન અરજી
- રાજ્યમાં કુલ 9.20 લાખ અસંગઠિત ક્ષેત્રના કામદારોની નોંધણી કરાઇ
ગાંધીનગર: રાજ્યમાં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો અને રોજગારી મેળવનારા મજૂરો માટે આજે મંગળવારે રાજ્ય સરકારે યુ.વિન મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. જેથી શ્રમિકો હવે ઓનલાઈન અરજી કરીને પોતાના નામની નોંધણી રાજ્ય સરકારમાં કરાવી શકશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મંગળવારે વીડિયો કોન્ફરન્સ કરીને મોબાઈલ એપ્લિકેશનની જાહેરાત કરી હતી. જેમાં CM રૂપાણીએ જણાવ્યું હતું કે, શ્રમયોગીઓને પોતાનો રોજ એટલે કે કામનો દિવસ પાડીને, કામ છોડીને આવા યુ-વિન કાર્ડ અંગેની નોંધણી માટે સરકારી કચેરીએ જવું ન પડે તેથી ગુજરાતમાં આ નવતર અભિગમ અપનાવીને ઓનલાઇન પોર્ટલ પર તેમજ કોમન સર્વિસ સેન્ટર દ્વારા આવા અસંગઠિત શ્રમિકોની નોંધણી સરળ બનાવી છે.
આ પણ વાંચોઃ 5 લાખથી વધુ લોકોએ 'મેરા રાશન' એપ્લિકેશનનો લાભ લીધો
કેમ્પ યોજીને નોંધણી કરવામાં આવશે
CM રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, અસંગઠિત ક્ષેત્રના કામદારોની હવે તેમના કાર્ય વિસ્તાર કે રહેઠાણના સ્થળે જ કેમ્પ યોજીને કોમન સર્વિસ સેન્ટર દ્વારા નોંધણી થશે. આવા કામદારોને તેમની ઓળખના આધારકાર્ડ, બેંક ખાતાની વિગતો, મોબાઇલ નંબર, રેશનકાર્ડ અથવા આવક પ્રમાણપત્ર જેવા જરૂરી પુરાવા અને દસ્તાવેજોના આધારે ચકાસણી કરીને સ્થળ પર જ ઓનલાઇન યુ-વીન કાર્ડ કોમન સર્વિસ સેન્ટર દ્વારા વિના મૂલ્યે આપવામાં આવશે. યુ-વિન કાર્ડ ધરાવનારા આ અસંગઠિત કામદારોને પણ અગાઉ લાભ મેળવતા આ ક્ષેત્રના કામદારો ને મળે છે તેમ જ મા અમૃતમ, અકસ્માત વીમા યોજના, શ્રમિક અન્નપૂર્ણા યોજના જેવી યોજનાઓના લાભ મળી શકશે.