- ગાંધીનગરના રાસ્તા પર દોડશે ઈ-બાઇક
- સામાન્ય ભાડા પર શહેરીજનો કરી શકશે ઉપયોગ
- નવા 18 ગામમાં પણ સર્વિસનો થશે પ્રારંભ
- શરૂઆતના દિવસોમાં 600 બાઇક મુકવામાં આવશે
- આધારકાર્ડથી કરાવવું પડશે રજીસ્ટ્રેશન
ગાંધીનગરઃ પાટનગરમાં સામાન્ય ભાડામાં ઈ-બાઈકની સેવા શરૂ કરવામાં આવશે. જો કે, શહેરીજનોએ ઈ-બાઇક લેવા માટે ફરજીયાત આધારકાર્ડથી રજીસ્ટ્રેશન કરાવવું પડશે. મેયર દીધા પટેલે ETV ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની આસપાસ 18 ગામોનો કોર્પોરેશન વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે આ ગામના લોકોને સારી સુવિધા મળી રહે અને સરળતાથી તેઓ શહેરી વિસ્તારમાં આવી શકે તેને લઈને ગામના વિસ્તારોમાં પણ ઈ-બાઈક સેન્ટર શરૂ કરવાનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. જે માટે શરૂઆતના ગાળામાં આ 600 ઈ-બાઈક મુકવામાં આવશે.
એક સેન્ટરથી બાઇક લઈ બીજા ગમે તે સેન્ટરે જમા કરવાની સુવિધા
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈ-બાઈકનો પ્રોજેક્ટ અત્યારે લગભગ પૂર્ણ થવાના આરે છે. ત્યારે ઈ-બાઈક માટે કોર્પોરેશન વિસ્તારમાં સેન્ટર પણ ઊભા કરવામાં આવશે. કોઈપણ નાગરિક આ ઈ-બાઇકને સામાન્ય ભાડા પર લઇને ફરી શકશે. જ્યારે એક સેન્ટરથી ઈ-બાઈકને ભાડે લીધા બાદ તેઓ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના કોઈપણ અન્ય સેન્ટર ઉપર જમા પણ કરાવી શકશે. જેથી નાગરિકોને વધુ સારી સગવડતા મળે અને સમયનો પણ બગાડ ન થાય.