- 30 નવેમ્બર સુધી પ્રક્રિયા ચાલુ રહેશે
- 40 હજાર લાભાર્થીઓને રસી આપવાની બાકી
- કોર્પોરેશન વિસ્તારમાં પ્રથમ ડોઝ રસીનો ટાર્ગેટ પૂર્ણ થયો
ગાંધીનગર: રાજ્યભરમાં પણ વેક્સિન આપવામાં આવી રહી છે, ત્યારે વ્યક્તિની આ પ્રક્રિયાને વેગવંતી બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ઘરે-ઘરે વેક્સિન (door to door vaccine) આપવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં પણ સક્રિય થઇને હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા વેક્સિન આપવામાં આવી રહી છે. દિવાળીના ત્રણ દિવસ દરમિયાન લોકો ઘરે ના હોવાથી રજાઓમાં વેક્સિન આપવાની કામગીરી બંધ હતી. આવતી કાલથી ફરી ઘરે-ઘરે વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
હેલ્થ ડિપાર્ટમેન્ટના 20 લોકોની ટીમ
આ અંગે વધુમાં જણાવતા હેલ્થ ઓફિસર કલ્પેશ ગોસ્વામી એ કહ્યું હતું કે, બે દિવસ દરમિયાન અમે ઘરે-ઘરે જઈ વેક્સિન આપી છે, જ્યાં 500થી લોકોને વેક્સિન આપવામાં આવી છે. જ્યાં ચરેડી છાપરા, આદીવાડા, ગીરના છાપરા વગેરે વિસ્તારથી શરૂઆત કરી હતી. જેમાં હેલ્થ ડીપાર્ટમેન્ટની 20 લોકોની ટીમ બનાવવામાં આવી છે. જેટલા પણ લોકો બાકી છે, તે તમામને વેક્સિન આપવાની સુવિધા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. બીજા ડોઝ માટે હજુ 40,000નો ટાર્ગેટ બાકી છે, ત્યારે જ્યાં સુધી આ ટાર્ગેટ પૂરો ના થાય ત્યાં સુધી વેક્સિનેશનની પ્રક્રિયા ચાલુ રાખીશું. 30 નવેમ્બર સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે.