ગાંધીનગરઃ શિક્ષકોના ગ્રેડ પે આંદોલન સામે સરકાર ઘૂંટણિયે પડયા બાદ પોલીસ કોન્સ્ટેબલ દ્વારા 2,800 ગ્રેડ પે બાબતે સોશિયલ મીડિયા ઉપર આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. આંદોલન શરૂ થવાની સાથે જ સરકારમાં બેઠેલા લોકોને પરસેવો છૂટી ગયો હતો. જેને લઈને મંગળવારે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને આડકતરી રીતે આંદોલન કરતા અને તેમાં સહભાગી થતા કર્મચારીઓને લાલઆંખ બતાવી હતી.
પોલીસના પગાર વધારા આંદોલન સામે DGPની લાલ આંખ
- પોલીસ કોન્સ્ટેબલ દ્વારા 2,800 ગ્રેડ પે બાબતે સોશિયલ મીડિયામાં આંદોલન થયું
- આંદોલન કરનારા કોન્સ્ટેબલને DGPએ આડકતરી રીતે લાલઆંખ બતાવી
- DGPએ કહ્યું આ આંદોલને ખાખીની ગરિમા પર હુમલો કર્યો
- આંદોલનમાં સહભાગી બનનારા 3 વિરુદ્ધ ગુનો દાખલ
શિવાનંદ ઝાએ કહ્યુ કે, ગ્રેડ પે વધારા મુદ્દાને લઇને પોલીસ કર્મચારીઓને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આવા તત્વો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને હિંસક આંદોલન શરૂ કરી પોલીસ કર્મચારીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે, ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિને બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. પોલીસ કર્મચારીઓને અન્ય કર્મચારીઓ કરતાં વધુ માત્રામાં પગાર ભથ્થા આપવામાં આવી રહ્યા છે.
પોલીસના પગાર વધારા આંદોલન સામે DGPની લાલ આંખ, કહ્યુ ખાખીની ગરિમા ઉપર હુમલો આંદોલનમાં ભાગ ભજવનારા 3 આરોપીઓની સામે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. જેમાં કમલેશ સોલંકી, ભોજા ભરવાડ અને હસમુખ સક્સેના સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં પોલીસ કોન્સ્ટેબલ રીતા પાસે રજાના દિવસે કામ લેવામાં આવે છે. તેની સામે તેવા કર્મચારીઓને પગાર ભથ્થાં અને રજા પણ આપવામાં આવે છે, જ્યારે 5 વર્ષની સેવા ધરાવતા કોન્સ્ટેબલને પણ ગુનામાં તપાસની સત્તા આપવામાં આવી છે. આ પ્રકારની સત્તા આપવાવાળું ગુજરાત પ્રથમ રાજ્ય છે.