ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગરમાં 'કમલમ્' ને નહિવત પ્રતિસાદ, માત્ર 8 ખેડૂતોએ કરી અરજી - સબસિડી જાહેર

ડ્રેગન ફ્રુટના વાવેતરને જિલ્લામાં નહિવત પ્રીતિસાદ મળ્યો છે. જિલ્લામાં અત્યાર સુધી 5 હેક્ટરમાં જ વાવેતર થયું છે, જો કે રાજ્યભરમાં પણ કમલમ્ ફ્રૂટનું વાવેતર ઓછું થઈ રહ્યું છે. જે હેતુથી સરકાર દ્વારા સબસિડી જાહેર કરવામાં આવી હતી, તેમ છતાં પણ ગાંધીનગર જિલ્લામાં કુલ 8 જેટલી અરજી ખેડૂતોની સબસીડી માટે આવી છે. સરકાર દ્વારા સબસીડી આપવા છતાં પણ કમલમ્ ફ્રુટના વાવેતર માટે ખેડૂતો તૈયાર થતા નથી. સૂત્રોના જણાવ્યા મુજબ અત્યારના પ્રતિસાદને જોતા આ વર્ષે જિલ્લામાં 10થી 15 હેક્ટર સુધીનું વાવેતર થઈ શકે છે.

ગાંધીનગરમાં કમલમને  નહિવત પ્રતિસાદ
ગાંધીનગરમાં કમલમને નહિવત પ્રતિસાદ

By

Published : Aug 3, 2021, 3:29 PM IST

  • ખેડૂતોને 2 હેક્ટર દીઠ 2.5 લાખ સબસીડી છતાં પ્રતિસાદ નહિવત
  • ઓગસ્ટ મહિના સુધી ઓનલાઈન અરજી કરી શકે છે ખેડૂતો
  • આ વર્ષે 10થી 15 હેક્ટર સુધીનું થઈ શકે છે વાવેતર

ગાંધીનગર : સરકાર દ્વારા ડ્રેગન ફ્રૂટને કમલમ્ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. આ ફ્રૂટ બહારથી લાવવામાં આવતા ઘણું ચર્ચામાં રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજ્યના ખેડૂતો આ ફ્રૂટની ખેતી કરવા માટે ઓછા તૈયાર થઈ રહ્યા છે. જુલાઈ મહિનામાં સબસીડી માટે ઓનલાઈન અરજી કરવાની હતી, જેમાં એક મહિના જેટલો સમય થઈ ગયો હોવા છતાં પણ ગાંધીનગર જિલ્લામાં સબસીડી માટે માત્ર 8 જ અરજી આવી છે. આથી કહી શકાય કે, ગાંધીનગર જિલ્લામાં તેની બાગાયત ખેતી અત્યાર સુધીમાં બિલકુલ ઓછા પ્રમાણમાં થઈ રહી છે.

આ પણ વાંચો:ધરમપુરના ખેડૂત દ્વારા કમલમ(ડ્રેગન ફ્રૂટ)ની ખેતી

કલોલ તાલુકાના એક પણ ખેડૂતની અરજી નહીં

કમલમ્ ફ્રુટના વાવેતર માટે ગાંધીનગર જિલ્લામાંથી એક મહિનામાં 8 અરજીઓ જ આવી છે, જેમાં દહેગામ અને ગાંધીનગર તાલુકામાં 3-3 અરજી અને માણસામાંથી 2 અરજી આવી છે, જ્યારે કલોલથી એક પણ અરજી ખેડૂતોની આવી નથી. કમલમ્ ફ્રુટની ખેતી માટે હેકટરદીઠ બેથી અઢી લાખ રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે, જે હેતુથી ઘણા ખેડૂતોને આ ખેતી મોંઘી પડતી હોવાના કારણે કમલમ્ ફ્રુટનું વાવેતર કરતા નહોતા. જેથી સરકાર દ્વારા સબસિડી જાહેર કરાઈ હતી, તેમ છતાં પણ આ પ્રકારની બાગાયત ખેતીને લઈને યોગ્ય પ્રતિસાદ જોવા મળ્યો ન હતો. એક હેક્ટર દીઠ 1.25 લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે. ટોટલ 2 હેક્ટરમાં વાવેતર થાય છે તો 2.5 લાખની સબસીડી મળશે. નિયમ પ્રમાણે 2 હેક્ટરના વાવેતરમાં જ સબસીડી આપવામાં આવે છે.

આ પણ વાંચો:ગાંધીનગર જિલ્લામાં સબસીડી મળશે તો, ડ્રેગન ફ્રૂટનું વાવેતર 50 હેકટર થાય તેવી શક્યતા

ખેડૂતોની અરજી ઓછી આવતા એક મહિનાની મુદત વધારાઈ

જૂન મહિનાના અંતિમ દિવસોમાં કમલમ્ ફ્રુટ માટે સબસીડી જાહેર કરવામાં આવી હતી, ત્યારે જુલાઈ મહિના સુધીની અરજી કરવાની પરવાનગી આપવામાં આવી હતી. ગાંધીનગર જિલ્લા ઉપરાંત રાજ્યમાં પણ ઓછો પ્રતિસાદ મળતા ઓગસ્ટ મહિના સુધી અરજી કરવા માટેની તારીખ લંબાવામાં આવી છે, જેથી જે ખેડૂતો સબસિડી લેવા ઇચ્છે છે તેઓ ઓગસ્ટ મહિના સુધી અરજી કરી શકે છે. આ યોજનાનો લાભ લેવા માગતા ખેડૂતોને i ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢી જરૂરી સાધનિક પુરાવા જેવા કે 7/12 8-અ ના ઉતારા રાષ્ટ્રીયકૃત બેંકની પાસબુકની નકલ અથવા કેંસલ ચેક, આધાર કાર્ડની નકલ સાથે નાયબ બાગાયત નિયામક કચેરીને આપવાની રહેશે.

ABOUT THE AUTHOR

...view details