- Delta Plus Variant બાબતે ગુજરાત આરોગ્ય તંત્ર હરકતમાં
- રાજયના તમામ જિલ્લામાંથી 30 સેમ્પલ લેવામાં આવ્યા
- સેમ્પલ ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરમાં મોકલાયા
ગાંધીનગર : સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર (Second Wave of Corona) માટે જવાબદાર પરિબળોમાં મુખ્ય ડેલ્ટા વેરિયન્ટ (Delta Variant) નું મ્યૂટેશન ડેલ્ટા પ્લસ (Delta Plus Variant) હવે સામે આવ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા પણ ડેલ્ટા પલ્સને વેરિયન્ટ ઓફ કન્સર્ન (Variant of Concern) જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં ડેલ્ટા પલ્સ વેરિયન્ટ (Delta Plus Variant) ના 40થી વધુ કેસ જોવા મળ્યા છે. ત્યારે ગુજરાત આરોગ્ય તંત્ર દ્વારા પણ આ વેરિયન્ટને લઈને તપાસ શરૂ કરાઈ છે. અત્યારે તમામ જિલ્લામાં નોંધાતા પોઝિટિવ કેસમાંથી ડેલ્ટા પલ્સ વેરિયન્ટને શોધવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સેમ્પલને તપાસ માટે ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (Gujarat Biotechnology Research Centre) તેમજ પૂણે મોકલવામાં આવી રહ્યા છે.
પોઝિટિવ કેસના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવે છે
ગુજરાતમાં ડેલ્ટા પલ્સ વેરિયન્ટ (Delta Plus Variant in Gujarat) ની તપાસ મુદ્દે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું છે કે, રાજ્યમાં અત્યારે 135થી 150 જેટલા પોઝિટિવ કેસ છેલ્લા દિવસોમાં આવી રાહ્યા છે. જેમાં ડેલ્ટા પલ્સ વેરિયન્ટ (Delta Plus Variant) ના કેસ છે કે કેમ? તેની તપાસ કરવામાં આવી રહી છે. પોઝિટિવ કેસના સેમ્પલ ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (Gujarat Biotechnology Research Centre) માં મોકલાઈ રહ્યા છે. હાલમાં રોજ 30 જેટલા સેમ્પલ મોકલવામાં આવી રહ્યા છે. કેટલાક સેમ્પલ પૂણે સ્થિત લેબોરેટરીમાં પણ મોકલાઈ રહ્યા છે.
જો કેસ સામે આવશે તો વ્યવસ્થા કરવામાં આવશે
અત્યારે તો ગુજરાતમાં ડેલ્ટા પલ્સ વેરિયન્ટ (Delta Plus Variant in Gujarat) નો એક પણ કેસ નોંધાયો નથી. જોકે, આ વેરિયન્ટની જીનોમ સિક્વન્સ કરીને તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ જો તેનો કોઈ કેસ આવશે તો દર્દીઓને અલાયદા વોર્ડમાં સારવાર આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં સુરતમાં બ્રિટન વેરિયન્ટના કેસ સામે આવ્યા હતા. ત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડમાં રાખીને તેના દર્દીઓની સારવાર કરવામાં આવી હતી.