ગાંધીનગર: પરિવહનની સુવિધા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા બરોડા મુંબઈ એક્સપ્રેસ હાઈવે (Baroda mumbai express high way) તૈયાર કરવામાં આવી રહ્યો છે, તેમાં નવસારી ખાતે જમીન સંપાદનનું કાર્ય અત્યારે ચાલી રહ્યું છે. આ દરમિયાન જ 12 જેટલા કેસ એવા સામે આવ્યા છે, જેમાં મૂળ જમીન માલિક વગર જ ખોટા દસ્તાવેજો ઉભા કરીને લેભાગુ તત્વોએ રાજ્ય સરકાર પાસેથી કરોડો રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે. 12 લોકો વિરુદ્ધ નવસારી પોલીસ સ્ટેશન (Navsari police station) ખાતે કેસ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે, જ્યારે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 20 દિવસથી ખાનગી રાહે આની તપાસ કરવામાં આવી રહી હતી અને તમામ પુરાવાઓ એકત્રિત કરીને નવસારી પોલીસ સ્ટેશન ખાતે કેસ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..
સાઉથ આફ્રિકાથી ખોટા દસ્તાવેજ લાવવામાં આવતા હતા : રાજેન્દ્ર ત્રિવેદી
રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકાર પરિષદ સંબોધીને નવસારીમાં જમીન સંપાદનનું કૌભાંડને ઉજાગર કર્યું છે. ત્રિવેદીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આવા કુલ ૧૨ જેટલા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં સાઉથ આફ્રિકાથી ખોટા દસ્તાવેજો મંગાવીને કૌભાંડ આચરવામાં આવ્યું છે, બરોડા મુંબઈ એક્સપ્રેસ હાઈવે અંતર્ગત 12 જેટલા કૌભાંડ સામે આવ્યા છે. જેમાં ખોટા પાવર ઓફ એટર્નીથી લેભાગુ તત્ત્વોએ ખોટા જમીનમાલિક દર્શાવીને બારોબાર સરકાર પાસેથી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે.
અધિકારી પણ શંકાના દાયરામાં
રાજેન્દ્ર ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, એક વખત નહીં બે વખત નહીં પરંતુ બાર વખત એકની એક કાર્યવાહી અલગ-અલગ શાળામાં કરવામાં આવી છે. જેમાં વકીલ એ.એ.શૈખ જે તમામ બારે બાર કિસોમાં સંડોવાયેલા છે, ત્યારે સરકારી અધિકારી કે જેવો જમીન સંપાદનનું કાર્ય કરી રહ્યા છે. તેઓની પણ ક્યાંકને ક્યાંક સંડોવણી હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે નવસારી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરીને તમામ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની કડક સૂચના રાજ્ય સરકાર તરફથી આપવામાં આવી છે. જેમાં કોઇપણ અધિકારી અથવા તો કોઇપણ પક્ષના નેતા કે કાર્યકર્તાઓ કૌભાંડમાં સંડોવાયેલા હશે તો પણ કોઈને છોડવામાં આવશે નહીં..
એક સંપાદનના 1.50 કરોડ લીધા
રાજેન્દ્ર ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, કુલ ૧૨ જેટલા કૌભાંડના કિસ્સાઓ નોંધાયા છે. જેમાં એક કૌભાંડ દીઠ દોઢ કરોડ રૂપિયાની વસૂલાત આરોપી દ્વારા કરવામાં આવી છે. આમ આશરે પંદરથી વીસ કરોડ રૂપિયાનો સોદો થયો, આ કૌભાંડમાં જ કરાયા હોવાની શંકા પણ રાજેન્દ્ર ત્રિવેદીએ વ્યક્ત કરી હતી. જ્યારે મળતી માહિતી પ્રમાણે જે ખોટા દસ્તાવેજો ઉભા કરીને જમીન સંપાદન કરવામાં આવી છે, તેમાં સરકાર તરફથી જે તે બેંક ખાતામાં જમીનના અમુક પૈસા પણ ચૂકવી દેવામાં આવ્યા છે. આ બાબતે પણ રાજ્ય સરકારે નવસારી જિલ્લા કલેકટરને વધુ તપાસ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે..