ગાંધીનગરઃ GPSC દ્વારા જુલાઈ-2019માં ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કીસેવા વર્ગ-1 અને 2નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેને પગલે કચ્છ અંજારના ભાવિક જે. અડિયેચાએ GPSC ખાતે અરજી કરી હતી. આ અરજીમાં તેમણે રજૂઆત કરી હતી કે, 4 જુલાઈ 2019ની પરિણામમાં તેનું નામ હતું. જેમાં સુધારો કરીને 5 જુલાઈએ બીજાનું નામ ઉમેરી દેવાયું છે.
GPSC દ્વારા આ યુવકને બોલાવવામાં આવ્યો હતો. યુવકે પરિણામ જાહેર થયું હોય તેની નકલ રજૂ કરી હતી. જેમાં મેરિટ ક્રમાંક-13માં પોતાનું નામ અને જન્મ તારીખ બતાવ્યા હતા. જેથી કચેરી દ્વારા ભાવિકના બેઠક ક્રમાંકના આધારે તપાસ હાથ ધરાતા તેમણે પ્રાથમિક પરિક્ષા જ આપી ન હોવાનું સામે આવ્યું હતું.
નાયબ કલેક્ટરનો લેટર બનાવનારા અંજારના યુવકના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા તેમ છતાં કચેરી દ્વારા યુવકને પોતાનો દાવો સાચો સાબિત કરવા માટે કહેવાયું હતું. જો કે, પોતાની વાત સાબિત ન કરી શકતાં GPSCએ તેની આગામી તમામ પરીક્ષાઓ માટે કાયમીધોરણે ગેરલાયક ઠેરવવાનો નિર્ણય લીધો હતો. જે બાદ આયોગ દ્વારા તેની સામે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
GPSCના નાયબ સેક્શન અધિકારી ગૌરવ જગમાલભાઈ ચાવડાએ આ અંગે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે યુવકને આજે રવિવારે નામદાર કોર્ટમાં પોલીસ દ્વારા રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો. જેમા પોલીસે 4 રિમાન્ડ માગ્યા હતાં. ત્યારે નામદાર કોર્ટે 3 દિવસના મંજૂર કર્યા હતાં.