ગાંધીનગરઃ દહેગામ તાલુકાના ધારીસણા ગામની સીમમા જતાં રસ્તાની બાજુમાં આજે વહેલી સવારે એક ઝાડ ઉપર પ્રેમીપંખીડાનાં મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળતા અરેરાટી વ્યાપી ગઇ હતી. આ બનાવની જાણ રખીયાલ પોલીસ સ્ટેશનને કરવામાં આવતાં ટીમ તાબડતોબ પહોંચી પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ધારીસણાની સીમમાં પ્રેમીપંખીડાએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું - આત્મહત્યા
દહેગામ તાલુકાના ધારીસણા ગામની સીમમાં આજે વહેલી સવારે એક ઝાડ ઉપર પ્રેમીપંખીડાનાં મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આ બનાવની જાણ રખીયાલ પોલીસ સ્ટેશન કરાતાં પોલિસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ દહેગામ તાલુકાના ધારીસણા ગામની સીમમાંથી પસાર થતાં રસ્તાની બાજુમાં આવેલા તળાવ પાસેના એક ઝાડ ઉપર દોરડું બાંધીને ગળેફાંસો ખાધેલી હાલતમાં એક યુવક અને યુવતી લટકતી હાલતમાં જોવા મળ્યાં હતાં. ત્યારબાદ ધારીસણા ગામના સરપંચ દ્વારા આ બનાવની જાણ રખીયાલ પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી. પોલીસે તપાસ હાથ ધરતાં આશરે 25 વર્ષીય યુવક ધારીસણા ગામનો વિષ્ણુ ગોપાલજી ઠાકોર હોવાનું સામે આવ્યું હતું. આ યુવક એક દીકરીનો પિતા હોવાનું પણ જાણવા મળ્યું છે. જ્યારે આશરે 21 વર્ષીય યુવતી સગદલપુર ગામની લક્ષ્મી ઠાકોર હોવાનું સામે આવ્યું હતું.
આ યુવતીના લગ્ન બે વર્ષ પહેલાં દહેગામ તાલુકાના ભાટઇ ગામમાં કરવામાં આવ્યાં હતાં. પરંતુ સાસરીમાં મનમેળ ન હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, ગઈકાલ શુક્રવાર રાત્રે આ યુવતી પોતાના ઘરેથી નીકળી ગઈ હતી. આ બાબતે પરિવારજનો દ્વારા પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની પણ તજવીજ હાથ ધરી હતી. પરંતુ તે પહેલા જ માહિતી મળી હતી કે, ધારીસણા ગામની સીમમાં એક યુવક અને યુવતીએ ગળાફાંસો ખાઈને દુનિયાને અલવિદા કરી નાખી હતી. ત્યારબાદ તપાસ કરતા આ યુવતી ગુમ થઈ હતી તે હોવાનું સામે આવ્યું હતું.