ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર (Corona Third Wave In Gujarat)ની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લા પ્રભારી મંત્રીઓને જિલ્લામાં રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. આ અંતર્ગત આજે ગાંધીનગરકલેક્ટર ઓફિસ (Gandhinagar Collector Office)માં ગાંધીનગર જિલ્લાના પ્રભારી નેતા અને રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કોરોનાની પરિસ્થિતિ (Corona In Gujarat)ની સમીક્ષા કરવામાં આવી હતી. ગાંધીનગર (Corona In Gandhinagar) શહેર અને જિલ્લામાં 4 ટકા પોઝિટિવિટી રેટ સામે આવ્યો છે અને આ રેટ ઓછો કઈ રીતે થાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
નેતાઓ માસ્ક નથી પહેરતા એટલે હું પણ માસ્ક નહીં પહેરું તેવું ના કરતા
રાજ્ય સરકારેકોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ (vibrant Gujarat global summit 2022)નો કાર્યક્રમ પણ મોકૂફ કર્યો છે. રાજ્યની જનતા પણ કોરોનાની ત્રીજી લહેર દરમિયાન સાવચેત રહે તે બાબતે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમુક લોકો એકબીજાની નકલ કરતા હોય છે અને ટિપ્પણી પણ કરતા હોય છે. જનતાને હાથ જોડીને વિનંતી કરતાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, જે તે વ્યક્તિ અથવા તો જે તે નેતાએ માસ્ક પહેર્યું નથી એટલે હું પણ માસ્ક નહીં પહેરું તેવું કરશો નહીં. જો આવું કરશો તો તમે અને તમારા પરિવારજનો મુશ્કેલીમાં મુકાઈ શકે છે, જેથી આવું કોઈ પણ કાર્ય ન કરવાની વિનંતી પણ હર્ષ સંઘવીએ કરી હતી.
તમામ લોકો માટે નિયમો સરખા
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં તમામ લોકો માટે નિયમો સરખા જ છે અને જો કોઈપણ વ્યક્તિ ગાઈડલાઈન (Corona Guidelines Gujarat)નું ઉલ્લંઘન કરશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત અનેક જગ્યાએથી અમુક લોકોની ફરિયાદ પ્રાપ્ત થઈ છે, ત્યારે તમામ ફરિયાદને ધ્યાનમાં લઈને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. કોઇપણ રાજકીય પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓએ પણ રાજ્ય સરકારની ગાઈડલાઈનમાં જણાવ્યા પ્રમાણે જ કાર્યક્રમો કરવા જોઇએ તેવી પણ ટકોર હર્ષ સંઘવીએ કરી હતી.