ગાંધીનગરઃ વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાએ કમિશ્નરને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, કોરોના મહામારીના પગલે સરકારે કરકસર કરવા માટે પરિપત્ર કર્યો છે. ગાંધીનગર મનપામાં તેનું ઊંધું અર્થઘટન થાય છે. મ્યુનિ.ના બજેટમાં કાઉન્સિલરોની ગ્રાન્ટમાંથી પ્રજાલક્ષી કામો કરવા માટે ગ્રાન્ટ મંજૂર થઈ હતી. સરકારે સરકારી કચેરીઓના કામ અર્થે ખરીદી નહીં કરવા જણાવ્યું છે, કાઉન્સિલરો પોતાની ગ્રાન્ટમાંથી કામો ન કરી શકે તેવો ઉલ્લેખ નથી. કાઉન્સિલરોની ગ્રાન્ટમાંથી સેવાભાવી સંસ્થાઓને ખુરશી, પંખા, કમ્પ્યૂટર ટેબલ, વોટર કૂલર, આરઓ જેવી વસ્તુઓ આપવાની જોગવાઈ છે.
ડાયરી છપાવવા રૂ.5 લાખ ખર્ચ, કાઉન્સિલરોની ગ્રાન્ટ આપવામા મહામારી નડે છે : કોંગ્રેસ - ગ્રાન્ટ મંજૂર
રાજ્ય સરકારે આપેલી કરકસરની સલાહનું મનસ્વી અર્થઘટન કરી ગાંધીનગર મ્યુનિસિપલમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. કાઉન્સલિરોની ગ્રાન્ટમાંથી નગરજનોને અપાતી ખુરશી, પંખા જેવી વસ્તુઓની ખરીદી મનપા દ્વારા બંધ કરાઈ છે, જ્યારે કરોડો રૂપિયાના ટેન્ડરો મંજૂર થઈ રહ્યા છે. ખુરશી, પંખા જેવી વસ્તુઓ નાગરિકો માટે ખરીદવાનું બંધ કરીને રૂ.5 લાખના ખર્ચે ડાયરી છપાવવાની તૈયારીઓ હાથ ધરાઈ છે, પરંતુ સભ્યોને ગ્રાન્ટ આપવામાં મહામારી નડી રહી છે.
કાઉન્સિલરોએ આ વસ્તુઓ માટે ભલામણ કરી હોવા છતાં મહિનાઓથી કોઈ વસ્તુની ખરીદી થતી નથી. હાલ માત્ર ટ્રી-ગાર્ડ આપવામાં આવ્યા છે અને તે પણ કાઉન્સિલરોની ભલામણ કરતાં અડધાં છે. નાગરિકોને મદદરૂપ બનતી નાની વસ્તુઓની ખરીદી થતી નથી, પરંતુ કરોડો રૂપિયાના ટેન્ડરો બહાર પડાય છે અને મંજૂર થયેલા કામોમાં પણ યેન-કેન પ્રકારે એક્સેસ કરીને નિયત રકમ કરતાં વધુ ખર્ચ કરાય છે.
કરકસરના નામે પ્રજાના પ્રાથમિક વિકાસના કામો અટકાવવામાં આવી રહ્યા હોય તો ટેન્ડરો બહાર પાડવાની અને તેને મંજૂરી આપવાની બાબતને કોંગ્રેસે આશ્ચર્યજનક ગણાવી છે. કાઉન્સિલરોની ગ્રાન્ટમાંથી અપાતા કામો શરૂ ન થાય તો કાયદાનું શરણ લેવાની ચીમકી કોંગ્રેસે આપી છે.