- 400થી વધુ ઝાડા-ઉલ્ટીના કેસો સામે આવ્યા
- રોજ80થી 120 ટેન્કરોથી પહોંચાડાય રહ્યું છે પાણી
- રોજ સર્વે કરી કલેક્ટ કરવામાં આવી રહ્યા છે સેમ્પલ
ગાંધીનગર :કલોલમાં એક અઠવાડિયાથી દૂષિત પાણીના કારણે કોલેરાનો રોગચાળો પૂર્વ વિસ્તારમાં વોર્ડ 4, 5 અને 11માં ફાટી નીકળ્યો છે. કલોલના રેલ્વે પાસેના પૂર્વ વિસ્તારમાં વોર્ડમાં ઝાડા ઉલ્ટીના કેસો જોવા મળ્યા છે. અત્યાર સુધીમાં 5 લોકોના મોત નિપજ્યા છે, ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના મતવિસ્તારની નજીક આ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવતા તેમણે ટ્વિટ કરી આ વિસ્તારની નોંધ લીધી હતી.
પાઇપલાઇનમાં મળી 5 લીકેજ મળી આવ્યા
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ ગાંધીનગર અને અમદાવાદના પ્રવાસે છે, ત્યારે મુખ્ય સચિવે જિલ્લા આરોગ્ય અધિકારીને આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે આદેશ આપ્યો હતો. જેમાંથી પાણીની પાઇપલાઇનમાં મળી આવેલા 5 લીકેજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદથી સરખા કરાયા છે.
આ પણ વાંચો:cholera pandemic : વડોદરા શહેરમાં કોરોના મહામારી વચ્ચે કોલેરાના 50 કેસ નોંધાયા
24થી વધુ લોકો સારવાર હેઠળ, 5 લોકોના મોત
મામલતદાર દેવેશ પેટેલે કહ્યું હતું કે, ગઇકાલ સુધીમાં 391 ઝાડા-ઊલટીના કેસો સામે આવ્યા હતા. તેમાં પણ 36 કેસો ગઈ કાલે સામે આવ્યા હતા. હાલ 39 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તો હજુ પણ 24થી વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. આ વિસ્તારમાં ગઈકાલે 13 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં કોલેરા કમળાના 5 કેસો પોઝિટિવ આવેલા હતા. અત્યાર સુધીમાં 1414 ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 247 પોઝિટિવ આવ્યા છે. જોકે, ગઈ કાલે 717 ટેસ્ટમાંથી 177 પોઝિટિવ આવ્યા હતા.
95,243 ઘરોનો સર્વે કરાયો
અત્યારે 51 ટીમો કાર્યરત છે, જેમાં 5 મેડિકલ ઓફિસર 112 પેરામેડિકલ શામેલ છે, અત્યાર સુધી 23,685 ઘરોના 95,243 લોકોનો સર્વે કરાયો છે. 9,150 ORSના પેકેટ આપવામાં આવ્યા છે. જેમાં 14થી 18 જેટલા નાના મોટા લીકેજ મળ્યા છે. જેમાંથી કેટલાક લીકેજ રીપેર કરવામાં આવ્યા છે. જેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મોટી ટીમનો સહારો પણ લેવામાં આવ્યો છે. જેમની પાસેથી યોગ્ય ઇક્વીપમેન્ટના સહારે લિકેજ હતા, તે બંધ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, ગટરલાઈન પણ સાફ કરવામાં આવી રહી છે. જોકે ગઈ કાલે લોકોના ઉપયોગ માટે વોર્ડ નંબર 4માં વાપરવા માટે પાણી છોડવામાં પણ આવ્યું હતું.
આ પણ વાંચો:ધોળાકુવા ગામમાં કલોલની જેમ જ કોલેરાના 70 કેસો નોંધાયા
અત્યાર સુધી 5 લાખ લિટર પાણી અપાયું
પાણીની મેનલાઈનની અંદર લીકેજ થવાથી ગટરનું પાણી અંદર ભળી ગયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાણીની પાઇપ પણ એ રીતે જ પહેલાથી નાખવામાં આવેલી હતી કે, જ્યાં ગટરનું દૂષિત પાણી ભળી શકવાની સંભાવના હતી. આ દુષિત પાણી લોકોના ઘરોમાં ન પહોંચે એટલા માટે છેલ્લા એક અઠવાડીયાથી વધુ સમયથી પાણીની સપ્લાય બંધ કરી દેવામાં આવી છે, ત્યારે કલોલના વોર્ડ નંબર 4, 5 અને વોર્ડ નંબર 11માં ટેન્કરથી પાણી આપવામાં આવી રહ્યું છે. જે માટે કલોલ ઉપરાંત કડી, માણસા, ગાંધીનગરથી પણ પાણી ટેન્કર દ્વારા આપવામાં આવી રહ્યું છે. રોજના 80થી 120 ટેન્કરો લોકોના ઘરમાં પહોંચાડવામાં આવી રહ્યા છે, એટલે કે અત્યાર સુધી અંદાજીત 5 લાખથી વધુ લીટર પાણી ટેન્કર થકી પહોંચાડવામાં આવ્યું છે.