- મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આખો દિવસ ગૃહમાં રહ્યા હાજર
- વિજય રૂપાણી ફક્ત પ્રશ્નોત્તરીમાં જ આપતા હતા હાજરી
- ગૃહમાં કોરોના મૃતકોની શ્રદ્ધાંજલિ બાબતે પણ કોંગ્રેસે કર્યો વિરોધ
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રના પ્રથમ દિવસે સર્વાનુમતે અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી હતી અને ગુજરાતના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે નિમાબેન આચાર્યને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે અધ્યક્ષને સંબોધતા જણાવ્યું હતું કે, પક્ષ અને વિપક્ષે તમને માતાની ભૂમિકા આપી છે અને તમને માતા તરીકે સંબોધ્યા છે, ત્યારે માતાની જવાબદારી આવે કે તેમની નજરે તમામ સંતાનો એક સમાન હોય છે. જેથી વિધાનસભા ગૃહમાં એક સમાનતા જળવાઈ રહે.
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સમગ્ર દિવસ ગૃહમાં રહ્યા હાજર
રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી વિધાનસભાગૃહમાં ફક્ત પ્રશ્નોત્તરી અથવા તો મહત્વના મુદ્દા પર જ હાજર રહેતા હતા, જ્યારે આજે તેઓ વિધાનસભા ગૃહના સભ્ય તરીકે સમગ્ર દિવસ હાજર રહ્યા હતા. તેઓને અધ્યક્ષની સામેની ચેરમાં બેઠક વ્યવસ્થા આપવામાં આવી છે, જ્યાં પહેલા જીતુ વાઘાણી બેસતા હતા. મહત્વની વાત કરવામાં આવે તો આજે ગૃહના નેતા અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સમગ્ર દિવસ દરમિયાન હાજર રહ્યા હતા.
પાટીદાર પર થયેલા કેસ પરત ખેંચો
ખાનગી યુનિવર્સિટી બી.એડ ની ચર્ચા દરમિયાન કોંગ્રેસના સભ્ય કિરીટ પટેલે ગુજરાત રાજ્યમાં થયેલા પાટીદાર આંદોલન બાદ અનેક પાટીદાર યુવાનો પર કેસ કરવામાં આવ્યા હતા અને જે તે સમયે રાજ્ય સરકારે તમામ કેસ પાછા ખેંચવાની જાહેરાત પણ કરી હતી, ત્યારે આજે ખાનગી યુનિવર્સિટી પર થયેલી ચર્ચામાં કિરીટ પટેલે સરકારને ફરી ટાંકતા નિવેદન આપ્યું હતું કે, જે તે સમયે સરકારે કરેલી જાહેરાત પ્રમાણે હજુ પણ અનેક પાટીદાર યુવાનો પર કેસ ચાલી રહ્યા છે તે કેસ વહેલી તકે પાછા ખેંચવામાં આવે, ત્યારે અધ્યક્ષે વિષય બહાર ન જવાની સૂચના પણ કિરીટ પટેલને આપી હતી.
વાતવરણ ફૂલ ગુલાબી છે : નીતિન પટેલ
રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ આજે વિધાનસભાગૃહમાં સામાન્ય સભ્ય તરીકે હાજર રહ્યા હતા, ત્યારે અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્યની વરણી થતાં તેઓએ વિધાનસભાગૃહમાં નિમાબેન આચાર્યને અભિનંદન આપ્યા હતા, જેમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે, નવી સરકાર છે સરકારના નવા પ્રધાનો છે અને સાથે જ નવા અધ્યક્ષની પણ નિમણૂક કરવામાં આવી છે, ત્યારે સમગ્ર વિધાનસભાગૃહનું વાતાવરણ ગુલાબી થઇ ગયું છે.