છેલ્લા કેટલાક સમયથી ગાંધીનગરના રૂપાલ ગામના ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતા વિવાદોમાં સંપડાયા છે. એક તરફ વિજ્ઞાનજાથા ઢબુડી માતાની વાતો પાંખડ હોવાના દાવા સાથે મેદાને પડ્યું છે. બીજી તરફ ઢબુડી માતા અને ભક્તો પોતાની વાત અને શ્રધ્ધા સાચી હોવાનું કહે છે. બોટાદના ગઢડા સ્વામી નાગજીપરા ખાતે રહેતા ભીખાભાઈ નારણભાઈ માણીયાએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. તેમનો દાવો છે કે, ઢબુડી માતાના કહેવાથી તેમણે પુત્રની કેન્સરની દવા બંધ કરી દીધી હતી, જેને પગલે તેમણે પુત્ર ગુમાવ્યો હતો. તેઓ ઢબુડી માતાના સામે પોલીસ ફરિયાદ નોંધાવાની માંગ સાથે જ વિજ્ઞાનજાથાના જયંત પડ્યા સાથે પેથાપુર પોલીસસ્ટેશન પહોંચ્યા હતા. આ અંગે પેથાપુર પોલીસ સ્ટેશનના PSI એ. જી. એનુરકરે કહ્યું હતું કે અમે અરજીના આધારે તપાસ શરૂ કરી દીધી છે.
અરજી પ્રમાણે ભીખાભાઈના એકના એક દિકરા અલ્પેશનું 22 વર્ષની ઉંમરે 11-3-2016ના રોજ કેન્સરની બિમારીથી મોત થયું હતું. તેની સારવાર ડૉક્ટરો દ્વારા ચાલતી હતી ત્યારે તેઓ આસ્થા પ્રમાણે ભુવા, માતાજી, ભક્ત, સ્વામી, બાપુ, મુંજાવરો, મોલવી પાસે જઈ કેન્સર મટી જાય તે માટે આમતેમ ભટકતા હતા. તેવામાં ગાંધીનગર રૂપાલ ગામના ઢબુડી મા કહેવાતા ધનજી ઓડને માતાજી હાજરા હજુર છે, ગમે તેવા રોગ મટાડી શકે તેવી વાત બસ સ્ટેન્ડ ઉપર અનેક મુસાફરો અને સાળંગપુર મંદિર આવેલા ભક્તો પાસેથી તેમણે સાંભળી હતી. તેથી આસરે સવાત્રણ વર્ષ પહેલાં તેમણે ઢબુડી માતાના સંપર્ક માટે તેમના ભક્તોને વાત કરી હતી.
તેમના દાવા પ્રમાણે પુત્ર પથારીવશ હોવાથી તેનો ફોટો લઈને તેઓ રૂપાલ આવતા હતા. ઢબુડી મા ને તેઓ આપવીતી જણાવતા ત્યારે માતા ‘દરબારમાં આવ્યો છો ચિંતા ના કર અહિંયા મડદાને પણ ઉભા કરવામાં આવે છે. આજથી જે દવા ચાલે છે બંધ કરી દેજે, દવા લેવાની જરૂર નથી. માતા તારા પુત્રને સાજો કરી દેશે.’ કહ્યું હતું જેથી તેમણે દવા બંધ કરી દેતા અલ્પેશનું મોત થયું હતું.