- કર્મચારીઓ માટે આનંદના સમાચાર, સપ્ટેમ્બર માસના પગારથી લાગુ પડશે
- નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી જાહેરાત
- ભારત સરકારે મોંઘવારી ભથ્થું જાહેર કર્યા બાદ રાજ્ય સરકારે પણ જાહેર કર્યું
ગાંધીનગર : ગાંધીનગર સેક્ટર 17 ખાતે ટાઉનહોલ રીનોવેશન કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં થયો હતો. જે દરમિયાન તેમને મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરી અમલ કરાવ્યો છે ત્યારે રાજ્ય સરકારના નાણા વિભાગે પણ મુખ્યપ્રધાનની સહમતી સાથે ભથ્થું જારી કર્યું હતું. જે સાથે જ કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રસરી હતી.
ભારત સરકારના ધોરણે કર્મચારીઓને લાભ અપાશે
નીતિન પટેલે મીડિયા બાઇટમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં ભારત સરકારે મોંઘવારી ભથ્થું વધારીને અમલ જાહેર કરી દીધો છે. જેથી ગુજરાત સરકાર પણ મોંઘવારી ભથ્થું ચૂકવશે. ભારત સરકારે જુલાઈ મહિનાથી 11 ટકાના વધારાની સાથે 17 ટકાને બદલે 28 ટકા મોઘવારી ભથ્થું નક્કી કર્યું છે. જેથી ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. ભારત સરકારના ધોરણે કર્મચારીઓને અને પેન્શનરોને 17 ટકામાંથી 11 ટકા વધારી 28 ટકા મોંઘવારી ભથ્થું આપવાનો નિર્ણય કર્યો છે. સપ્ટેમ્બર માસથી અમલ ચાલુ કરીશું. સપ્ટેમ્બર માસનો પગાર 28 ટકા મોંઘવારી ભથ્થા સાથે આ મહિનાનાના આખરે ચૂકવાશે.