ગાંધીનગરઃ સમગ્ર ગુજરાત છેલ્લા 15 વર્ષથી કરફ્યુ મુક્ત બન્યું છે. ત્યારે હજુ પણ ગુજરાતની સલામતી જળવાઈ રહે અને પાસા એક્ટનો રાજકીય દુરુપયોગ અમારી સરકાર નહીં કરે તેવો વિશ્વાસ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આપ્યો છે. જેને લઈ ગુજરાત વિધાનસભામાં મંગળવારના રોજ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબતનું સુધારા વટહુકમના મંજૂર કરતો પ્રસ્તાવ ગૃહમાં રજૂ કર્યો હતો.
તો બીજી તરફ કોંગ્રેસ નામંજૂર કરવા માટે કરેલા પ્રસ્તાવનો ગૃહપ્રધાને પ્રદીપસિંહ જાડેજાએ તેમના ઉત્તરમાં રાજકીય નિવેદન કરતા ગૃહમાં કોંગ્રેસના સભ્યો અકળાયા હતા. પરિણામે ગૃહનું વાતાવરણ તંગ બન્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત સરકારે લાવેલ આ સુધારા વટહુકમને ના મંજૂર કરતો પસ્તાવો વ્યક્ત કર્યો હતો. જેમાં તેમણે આ વટહુકમ અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં ગૃહમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ગુનાખોરી વધી રહી છે અને આજે પણ ઠેરઠેર દારૂ-જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. જોકે પોલીસને ખબર હોવા છતા સત્તાના કારણે આવા પ્રકારના અડ્ડાઓ બંધ થતા નથી, તો બીજી તરફ વ્યાજખોરોનો ત્રાસ પણ વધી ગયો છે, જેના કારણે કેટલાય નાગરિકોના અપહરણ થાય છે અને વધુ વ્યાજ વસૂલ કરવા માટે ધાક ધમકીઓ આપવામાં આવતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ તબક્કે તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે પાસા એક્ટના નામે રાજકીય વિરોધીઓને દૂર કરવાની દહેશત સમાજમાં ઊભી થઈ છે. જો કે રાજ્યના મંદિરોમાં સાધુઓની લવસ્ટોરીના કિસ્સાઓ પણ દિન-પ્રતિદિન વધતા ગયા છે અને શોષિત વ્યક્તિઓ પોલીસ પકડથી કેમ દૂર રહ્યા છે ? તેવો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો.
આ ઉપરાંત સરકારની આડે હાથ લેતા ઈમરાન ખેડાવાલાએ એવો આક્ષેપ કર્યો કે આજે લાંચ લેતા પકડાયેલા સરકારી અધિકારીઓ પાસેથી પોલીસ પૈસા લઈને કેસ રફેદફે કરે છે. એટલું જ નહીં કેટલાક કિસ્સાઓમાં તો વધુ પૈસા લેવા માટે પોલીસ પાસના નામે ડરાવતી હોવાનો સીધો આક્ષેપ કર્યો હતો. વિધાનસભા ગૃહમાં નામંજૂર કરતા પ્રસ્તાવ સમયે કોંગ્રેસના ધારાસભ્યએ કરેલા આક્ષેપોનો વળતો જવાબ આપતા ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ રાજકીય ટિપ્પણી કરતાં ગૃહમાં જણાવ્યું હતું કે આ વટહુકમ ગૃહમાં આવે તે પહેલા આ સત્ર ઈતિહાસીક બની રહેશે તેવી ખાતરી પત્રકારોને આપી હતી અને એટલે જ ગુજરાતમાં શાંતિ સલામતી અને સુરક્ષા માટે પાસાના કાયદા સુધારા વટહુકમ વિજયભાઈ રૂપાણીની સરકાર લાવવી હોવાનો સ્વીકાર કર્યો હતો.
આ તબક્કે તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો કે ભૂતકાળમાં બુલેટ પ્રુફ રથમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. પરંતુ છેલ્લા 15 વર્ષથી ગુજરાત કરફ્યૂ મુક્ત બની ગયું છે. આ તબક્કે કોંગ્રેસના સભ્યો ઉપર આક્ષેપ કરતાં પ્રદીપસિંહ જાડેજાએ રાજકીય ટોણો માર્યો હતો કે ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. જેની સામે પાસા કાયદો સરકાર લાવે છે. ત્યારે કોંગ્રેસ વિરોધ શા માટે કરે છે મને એ નથી સમજાતું કે કોંગ્રેસનો એજન્ટ આ વ્યાજખોરો તરફથી છે કે તેની સામે ? ઈમરાન ખેડાવાલા વ્યાજખોરોના લાભાર્થી આવા ભાષણ એમ કરે છે તેવું નિવેદન કરતાં ગૃહમાં અશાંતિ થોડા સમય માટે સર્જાઇ હતી અને કોંગ્રેસના સભ્યોએ હોબાળો શરૂ કર્યો હતો.