- 160 km પ્રતિ મિનિટ હવાની ગતિ ઘટી 115 થઈ
- બગસરામાં 9 ઇંચ, ગીરમાં 8 ઇંચ, ઉનામાં 8 ઇંચ વરસાદ
- 1081 થાંભલા, 40 હજાર વૃક્ષો પડી ગયાં
ગાંધીનગર : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને ઉચ્ચસ્તરીય બેઠક યોજી તાઉતે બાદ થયેલાં નુકશાનનો તાગ મેળવ્યો હતો. મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, આજે રાત પછી વાવાઝોડું અલગ અલગ વિસ્તારોમાંથી આગળ વધશે, ગઈકાલે 160 km પ્રતિ મિનિટ તેજ પવનની ગતિ હતી. જો કે અત્યારે 110થી 115 kmની પવનની તીવ્રતા છે. જેથી આજ રાત સુધી તકેદારી રાખવી પડશે તેવું પણ તેમને જણાવ્યું હતું.
અમદાવાદ જિલ્લામાં ધોળકા અને ધંધૂકામાં પણ વાવાઝોડાની અસર થશે
વાવાઝોડાની સ્થિતિને લઈને ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે કહ્યું કે, ગઈ કાલે રાતે 1.5 વાગે વાવાઝોડાના કારણે અમરેલી, સોમનાથ, પોરબંદર, ભાવનગર, બોટાદ સહિતના આ વિસ્તારમાં તીવ્રતાવાળો પવન 150 km સુધી ફૂંકાયો હતો. જો કે અમદાવાદ જિલ્લામાં અને તેમાં પણ ખાસ કરીને ધોળકા, ધંધૂકામાં પણ તેની અસર થશે અને 60 km સુધીનો પવન ફૂંકાશે. સાંજ સુધીમાં વાવાઝોડાની આ પ્રક્રિયા ચાલુ રહેશે. જેથી રાત સુધી તકેદારી રાખવી પડશે.
તૌકતે વાવાઝોડાના કારણે 3નાં મોત, 1953 ગામોમાં વીજળી ગુલ,16,500 ઝૂંપડાને અસર - અરબ સાગર
તૌકતે વાવાઝોડાની અસરના પગલે અત્યાર સુધી રાજ્યમાં 3 લોકોના મૃત્યુ થયાં છે, 1,953 ગામોમાં વીજપુરવઠો કટઓફ થયો છે. જ્યારે 16,500 ઝૂંપડાવાળા મકાનને અસર થઈ છે. જો કે પૂર્વતૈયારીના ભાગરૂપે કોઈ મોટી અસર થઇ નથી તેવું મુખ્યપ્રધાન રુપાણીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાની આંખ પસાર થઇ, કોવિડ હોસ્પિટલમાં કોઈ અવરોધ નહીં
1400 હોસ્પિટલમાંથી 14 હોસ્પિટલમાં વીજ પુરવઠો કપાયો હતો, ઑક્સિજનની ડિલિવરી અડચણ વિના થઈ
મુખ્યપ્રધાને વધુમાં કહ્યું કે, તંત્રના એડવાન્સ પ્લાન અને 3 દિવસની તૈયારીઓના પગલે કોઈ મોટી દુર્ઘટનાઓ નથી બની કે કોઈ મોટી જાનહાનિ પણ નથી થઈ. તૈયારીના કારણે આપણે 2 લાખથી વધુ લોકોને સ્થળાંતર કરાવ્યું છે. 1400થી વધુ હોસ્પિટલમાંથી 14થી 16 હોસ્પિટલમાં વીજ પુરવઠો કપાયો હતો જેમાં 12 હોસ્પિટલમાં પૂર્વવત કરવામાં આવ્યો છે. કોરોનાને લઈને ચિંતા હતી. આપણે આ સ્થિતિમાં પણ મહારાષ્ટ્ર, એમપી, હરિયાણા વગેરે રાજ્યોમાં ઑક્સિજન અહીંથી પસાર કર્યો છે. કોઈ મોટી અડચણ તેમાં આવી નથી. આ ડિલિવરી ક્યાંય અટકી નથી.
વાવાઝોડાના પગલે 2,437 ગામોમાં વીજ પુરવઠો કટઓફ, 484માં પુનઃ સ્થાપિત કર્યો
મુખ્યપ્રધાને કહ્યું કે, 3 લોકોના મૃત્યુ થયાં છે. જેમાં વાપી, રાજકોટ, ગારિયાધરમાં 3 લોકો મૃત્યુ પામ્યાં છે. વાવાઝોડાના પગલે પ્રભાવિત વિસ્તારોના ગામોમાં ટોટલ 2,437 ગામોમાં વીજ પુરવઠો ક્ટઓફ થયો હતો. જોકે 484 ગામોમાં પુનઃ સ્થાપિત પણ કરવામાં આવ્યો છે. ઝડપથી વીજ પુરવઠો મળે તેવો પ્રયત્ન થઇ રહ્યો છે. 16500 મકાનો, ઝૂંપડાઓ અસરગ્રસ્ત થયાં છે. 100 kmથી વધુ પવન ફૂંકાય છે ત્યાં તકેદારી રખાશે. અમરેલી જિલ્લામાં વધુ વરસાદ પડ્યો છે. 1081 થાંભલા પડી ગયાં અને 40,000 વૃક્ષો પણ પડી ગયાં છે.
આ પણ વાંચોઃ LIVE UPDATE: ગુજરાતમાં તૌકતે ચક્રવાતની અસર
35 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે 1081 થાંભલા, 40 હજાર વૃક્ષો પડી ગયાં
લગભગ વરસાદ પણ 35 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જેમાં બગસરામાં 9 ઇંચ, ગીરમાં 8 ઇંચ, ઉનામાં 8 ઇંચ, સાવરકુંડલામાં 7 ઇંચ, અમરેલીમાં 5 ઇંચ વરસાદ વાવાઝોડાના પગલે ખાબક્યો છે. 196 રસ્તાઓ બંધ થયા છે જેમાંથી કેટલાક રસ્તાઓ શરૂ કરવામાં આવ્યાં છે. આજે પણ અગત્યના જિલ્લામાં પવનની જ્યાં ગતિ વધુ છે ત્યાં કલેકટર સાથે વાતચીત થઈ રહી છે. પાણીપુરવઠો, વીજપુરવઠો અને રોડ, રસ્તાઓને લઈને ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.