- ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં કોરોના વકર્યો
- સરકાર માટે માથાનો દુખાવો સમાન બન્યો કોરોના
- છેલ્લા 15 દિવસથી કોરોનામાં રાજ્યમાં 171 લોકોના મોત
- અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 109 લોકોના મોત
- અમદાવાદમાં કુલ મૃત્યુ રાજ્યના 63.74 ટકા
છેલ્લા 15 દિવસમાં કોરોનાથી રાજ્યમાં 171 મોત, અમદાવાદમાં 109 મોત છતાં પણ સ્મશાનમાં વેટિંગ
રાજ્યમાં દિવાળીના તહેવારો બાદ કોરોના સંક્રમણમાં ઘણો વધારો થયો છે. કોરોના રોકવા રાજ્ય સરકારે અમદાવાદમાં 58 કલાકનો કરફ્યૂ પણ લગાવ્યો હતો. પરંતુ દિવાળી બાદ રાજ્યમાં અને અમદાવાદમાં કોરોના વકર્યો અને તેનાથી કેટલા લોકોના મૃત્યુ થયા તે બાબતે ETV Bharat દ્વારા સરકારી રિપોર્ટના આધાર ઉપર જ એક ખાસ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ફક્ત છેલ્લા પંદર દિવસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 109 લોકોના કોરોનાથી મોત થયા છે.
ગાંધીનગર: રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતાં આંકડા પ્રમાણે રાજ્યમાં કુલ છેલ્લા પંદર દિવસની અંદર 171 લોકોના કોરોનાના કારણે મોત થયા છે, જેમાં ફક્ત અમદાવાદમાં જ 109 લોકોના મોત થયા છે. આમ, રાજ્યના પ્રમાણમાં અમદાવાદમાં કુલ મૃત્યુઆંક 63.74 ટકા સામે આવ્યો છે. જ્યારે 23 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ફક્ત 25 નવેમ્બરે જ મૃત્યુઆંક 9 સુધી રહ્યો હતો. જ્યારે 23 નવેમ્બરથી 29 નવેમ્બર સુધીનો મૃત્યુઆંક 10 કરતા વધુ રહ્યો છે.
15 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી અમદાવાદમાં 4325 પોઝિટિવ કેસ
અમદાવાદમાં દિવાળીના તહેવાર દરમિયાન અમદાવાદીઓ ખરીદી કરવા માટે જાહેર બજારમાં કોરોનાની મહામારીમાં નિયમોને તોડીને સામાજિક અંતર અને માસ્ક પહેર્યા વગર નીકળી ગયા હતા, જેની અસર હવે દિવાળી પછીના દિવસોમાં જોવા મળે છે. મહત્ત્વની જો વાત કરવામાં આવે તો 15 નવેમ્બરથી 29 નવેમ્બર સુધીમાં ફકત અમદાવાદની અંદર જ 4325 જેટલા કોરોના પોઝિટિવના કેસ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, 18 નવેમ્બર સુધી કોરોના પોઝિટિવનો આંક અમદાવાદ શહેરમાં 230ની આસપાસ જ હતો, પરંતુ 20 નવેમ્બર બાદ અમદાવાદ શહેરમાં કોરોના પોઝિટિવનો આંક 300થી વધીને 354 સુધી રહ્યો છે.
સ્મશાનોમાં લાઈન, અને સબ વાહિની માટે પણ વેંટિંગ
ઉલ્લેખનીય છે કે, અમદાવાદની પરિસ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે ત્યારે અમદાવાદમાં છેલ્લા 15 દિવસની અંદર 109 મોત ફક્ત કોરોના પોઝિટિવ વ્યક્તિના જ થયા છે. રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી આંકડાકીય માહિતીમાં ફક્ત કોરોનાથી મોત થયા હોય તેવાના જ આંકડા બહાર પાડવામાં આવે છે, પરંતુ કો મોરબીટ એટલે અન્ય બીમારી સાથે કોરોના હોય અને મૃત્યુ પામે તેવા આંક લખવામાં આવતા નથી ત્યારે આવા અનેક લોકો મૃત્યુ પામે છે. આથી અમદાવાદ શહેરમાં સબ વાહિની અને કોવિડ સ્મશાનોમાં મૃતદેહની અંતિમ વિધિ માટે પણ વેટિંગમાં રહેવાનો વારો આવ્યો હોય તેવી માહિતી સામે આવી રહી છે.
- ગાંધીનગરથી પાર્થ જાનીનો ખાસ એહવાલ