ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતમાં બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતની 14,963 મેગાવોટની ક્ષમતાના પ્રોજેક્ટસ કાર્યરત

રાજ્યમાં બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોત (Non conventional energy sources) જેવા કે પવન ઊર્જા (Wind energy), સૌર ઊર્જા, જૈવિક ઊર્જા (Solar energy), હાઈડ્રો પાવર (Hydro power) વગેરે દ્વારા વીજળી ઉત્પન્ન કરવા માટે રાજ્યમાં 14,963 મેગાવોટ ક્ષમતાના પ્રોજેક્ટોની સ્થાપના કરવામાં આવી છે, જે દેશની કુલ સ્થાપિત ક્ષમતાની 15 ટકા જેટલી છે અને આ ક્ષમતા સાથે ગુજરાત દેશમાં ત્રીજુ સ્થાન ધરાવે છે.

ગુજરાતમાં બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતની 14,963 મેગાવોટની ક્ષમતાના પ્રોજેક્ટસ કાર્યરત
ગુજરાતમાં બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતની 14,963 મેગાવોટની ક્ષમતાના પ્રોજેક્ટસ કાર્યરત

By

Published : Oct 26, 2021, 9:20 PM IST

  • રાજ્યમાં બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોત માટે 14,963 મેગાવોટ ક્ષમતાના પ્રોજેક્ટોની સ્થાપના
  • બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતમાં 15 ટકા ક્ષમતા સાથે ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને
  • ખાનગી રહેણાંક ઉપર સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપવામાં ગુજરાત દેશમાં પ્રથમ

ગાંધીનગર: વર્તમાન સમયમાં વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ (Global warming in the world)ની પરિસ્થિતિને પહોંચી વળવા બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતો (Non conventional energy sources)ની મહત્વતા વધતી જાય છે. આ સંદર્ભે ગુજરાત સરકારે બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતો પર સવિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. જે અંતર્ગત રાજ્ય સરકારે અનેક યોજનાઓ અમલી બનાવી છે. તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના નેતૃત્વમાં વર્ષ 2009માં ક્લાઈમેટ ચેન્જ (Climate Change) અંગે અલાયદો વિભાગ શરૂ કરી ગુજરાત એશિયામાં પ્રથમ સ્થાને રહ્યું છે.

રાજયમાં 14,963 મેગાવોટ ક્ષમતાના પ્રોજેક્ટો

આજે રાજ્યમાં બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોત જેવા કે પવન ઊર્જા, સૌર ઊર્જા, જૈવિક ઊર્જા, હાઈડ્રો પાવર વગેરે દ્વારા વીજળી ઉત્પન્ન કરવા માટે રાજ્યમાં 14,963 મેગાવોટ ક્ષમતાના પ્રોજેક્ટોની સ્થાપના કરવામાં આવી છે, જે દેશની કુલ સ્થાપિત ક્ષમતાની 15 ટકા જેટલી છે અને આ ક્ષમતા સાથે ગુજરાત દેશમાં ત્રીજુ સ્થાન ધરાવે છે.

ખાનગી મકાનો પર વીજ ઉત્પાદન

વર્ષ 2016-17થી ખાનગી રહેણાંક ઉપર સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપવાની યોજના કાર્યરત છે. આ યોજના હેઠળ 2,84,000 ખાનગી રહેણાંકીય ઈમારતો ઉપર 1081 મેગાવોટ ક્ષમતાની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપવામાં આવી છે. ખાનગી રહેણાંક ઉપર સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, ઔદ્યોગિક, વાણિજ્યિક અને રહેણાંકીય ક્ષેત્રે કુલ 1,444 મેગાવોટ સોલાર રૂફટોપ સિસ્ટમની સ્થાપના સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે.

દેશની પ્રથમ સોલાર પાવર પોલિસી વર્ષ 2008-09માં ગુજરાતમાં

દેશની પ્રથમ ‘સોલાર પાવર’ પોલિસીની જાહેરાત બાદ વર્તમાન પરિસ્થિતિએ રાજ્યની સોલાર પાવર પ્રોજેક્ટની કુલ સ્થાપિત ક્ષમતા 5,947 મેગાવોટ છે. આમ, આ સોલાર પાવર પ્રોજેક્ટની સ્થાપના સાથે ગુજરાત દેશમાં ત્રીજુ સ્થાન ધરાવે છે. વર્ષ 2011થી પાટણના ચારણકા ગામે એશિયાનો સૌથી વધુ ક્ષમતા ધરાવતો સોલાર પાર્ક કાર્યરત છે, જ્યાં 850 મેગાવોટ ક્ષમતાના સોલાર પ્રોજેક્ટ કાર્યરત છે. વર્ષ 2012માં દેશમાં સૌપ્રથમ 1 મેગાવોટ કેનાલ ટોપ સોલાર પાવર પ્લાન્ટની સ્થાપના ગુજરાતમાં કરવામાં આવી છે. આજ સુધી કુલ 37 મેગાવોટ કેનાલ ટોપ સોલાર પાવર પ્રોજેક્ટ કાર્યરત છે.

વિશ્વનો સૌથી મોટો હાઈબ્રિડ પાર્ક

દુનિયાના સૌથી વિશાળ 30 ગીગાવોટ ક્ષમતાના હાઈબ્રીડ (સોલાર અને વિન્ડ) રીન્યુએબલ એનર્જી પાર્કનું કચ્છના ખાવડા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 10 વર્ષમાં 268 ગૌશાળા/ પાંજરાપોળ/શૈક્ષણિક સંસ્થાઓમાં કુલ 19,460 ઘનમીટર પ્રતિદિવસની ક્ષમતાના સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે, છેલ્લા 10 વર્ષમાં સરકારી છાત્રાલયો, આદર્શ નિવાસી શાળાઓ, વિશ્રામગૃહો ઉપર 76,450 વિદ્યાર્થીઓ માટે કુલ 19,06,000 લિટર પ્રતિદિવસની ક્ષમતાની સોલાર હોટ વોટર સિસ્ટમ બેસાડવામાં આવી છે. રાજ્યના 13,572 વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ઈલેક્ટ્રિક દ્વિચક્રી વાહનો માટે સબસિડી આપવામાં આવી છે.

વીજની ક્ષમતામાં વધારો

વર્ષ 1993માં ગુજરાતમાં દેશની પ્રથમ ‘વિન્ડ પાવર’ પોલિસીની જાહેરાત બાદ વર્તમાન પરિસ્થિતિએ રાજ્યની વિન્ડ પાવર પ્રોજેક્ટની કુલ સ્થાપિત ક્ષમતા 8,860 મેગાવોટ થવા પામી છે. આમ, ગુજરાત વિન્ડ પાવર પ્રોજેક્ટની સ્થાપના કરવામાં દેશમાં દ્વિતીય સ્થાન ધરાવે છે. બાલ ઊર્જા રક્ષક દળ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક-માધ્યમિક શાળાના 50,000 વિદ્યાર્થીઓ અને 1,500 શિક્ષકોને ઊર્જાના નીતિમય અને શાણપણભર્યા ઉપયોગ માટે પ્રતિવર્ષ તાલીમ આપવાની પ્રવૃત્તિ હાથ ધરાય છે.

આ પણ વાંચો:ગૃહ વિભાગની સ્પષ્ટતાઃ પોલીસને 7મા પગાર પંચ મુજબ જ પગાર મળે છે, સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવનારા સામે થશે કાર્યવાહી

આ પણ વાંચો: ગ્રેડ પે વધારવાની માગ સાથે પોલીસ પરિવારોના ગાંધીનગરમાં ધરણાં, કહ્યું- નોકરીના પગાર ફિક્સ કરો

ABOUT THE AUTHOR

...view details