વલસાડઃ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ચોમાસુ બેસી ગયા બાદ પણ હજુ સુધી જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી. આ વિસ્તારમાં મોટાભાગે ડાંગરની ખેતી થાય છે. એ સિવાય તુવેર, અડદ જેવા કઠોળનું વાવેતર કરવામાં આવે છે. જૂનના પ્રથમ અઠવાડિયામાં જ રાજ્યની આફત સમા વાવાઝોડાને કારણે વરસાદ વરસતા મોટાભાગના ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી હતી. પરંતુ તે બાદ વરસાદ વરસ્યો નથી.
વલસાડ જિલ્લામાં વરસાદની સ્થિતિ
- ચોમાસાની સિઝનમાં આ વર્ષે 50 ટકા ઓછો વરસાદ નોંધાયો
- વલસાડ જિલ્લા સહિત દમણ અને દાદરા નગર હવેલીમાં પણ આ જ પરિસ્થિતિ
- રાજ્યમાં વાવાઝોડાને કારણે થયેલા વરસાદને લીધે ખેડૂતોએ કરી હતી વાવણી
- વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા
રાજ્યમાં વલસાડ જિલ્લો ચેરાપૂંજીનું બિરુદ પામ્યો છે. દર વર્ષે જૂન માસની 29મી જૂન સુધીમાં અહીં સરેરાશ 358.6 mm વરસાદ વરસે છે. જ્યારે આ વખતે માત્ર 177 mm વરસાદ વરસ્યો છે. એ જ રીતે દાદરા નગર હવેલીમાં અને દમણમાં 29 જૂન સુધીમાં સરેરાશ 330 mmથી 268 mm વરસાદ વરસે છે. જે આ વખતે અનુક્રમે 208.7 mm અને 122 mm વરસાદ જ વરસ્યો છે. એક તરફ 29મી જૂને વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ પોતાની છડી પોકારી છે અને જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદે ધીમીધારે વરસવાનું શરૂ કર્યું છે. જેને કારણે ખેડૂતોમાં હરખની હેલી છવાઈ છે અને લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે.
વલસાડ જિલ્લામાં ચાલુ ચોમાસુ સિઝનની વાત કરીએ તો 29 જૂન 2020 સુધીમાં તાલુકા મુજબ કપરાડામાં સૌથી વધુ 344 mm વરસાદ નોંધાયો છે. જ્યારે પારડી તાલુકામાં સૌથી ઓછો માત્ર 20 mm વરસાદ નોંધાયો છે. અન્ય તાલુકામાં વાપીમાં 94mm, ધરમપુરમાં 241 mm, ઉમરગામમાં 108 mm અને વલસાડમાં 92 mm વરસાદ વરસી ચૂક્યો છે.