વલસાડ: ઉમરગામ ખાતે તાલુકા પંચાયત કચેરીમાં બુધવારે પંચાયતની સામાન્ય સભા પ્રમુખ જયાબેન પટેલ, ઉપપ્રમુખ નરેશભાઈ પરમાર, તાલુકા વિકાસ અધિકારી, સભાના સચિવ તથા તાલુકાના અધિકારી કર્મચારીઓની ઉપસ્થિતિમાં મળી હતી. સભાની કાર્યવાહી એજન્ડા પ્રમાણે ગત સભાની કાર્યવાહીને બહાલી આપવા અંગે વાંચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ સમિતિઓના કામોની ચર્ચા વિચારણા કરી બહાલ રાખવા બાબતે તથા જમીન મહેસુલના આકારણી ઉપર લેવામાં આવતા દરમાં વધારો કરવા તથા મુદતમાં વધારો કરવા અંગે પણ ચર્ચાઓ કરવામાં હતી.
ઉમરગામમાં તાલુકા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો સામાન્ય સભામાં ભાજપે ફેર દરખાસ્ત કરી પોતાના કામો મુક્યા હતા. જેની સામે કોંગ્રેસે જૂના કામોની રૂપિયા 5.22 લાખની ફેર દરખાસ્તમાં વોટીંગ કરાવી પોતાના કામો મૂક્યા હતા. જેમાં કોંગ્રેસને બહુમતી પ્રાપ્ત થતાં ખળભળાટ મચી ગયો હતો.
સભામાં વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા રાકેશ રાય સહિત સભ્યોએ પ્રશ્નોત્તરી માટે પણ ચર્ચા વિચારણા કરવા માગ કરી હતી. આ મુદ્દે ભારે હંગામો મચાવી સત્તા પક્ષ ભાજપ અને તાલુકા વિકાસ અધિકારી ઉપર રીતસર દબાણ વધાર્યું હતું. મુદ્દા નં. 4માં સન 2017/18ના વર્ષમાં ઉમરગામ તાલુકાને ફાળવવામાં આવેલી સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી આયોજન કરવામા આવેલા જૂના કામોની ફેર દરખાસ્ત રૂપિયા 5.22 લાખના કામો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
જેમાં પ્રથમ સત્તા પક્ષ ભાજપને વોટીંગ દ્વારા કુલ 28 સભ્યો પૈકી 13 સભ્યોનું સમર્થન મળ્યું હતું, જ્યારે વિરોધ પક્ષ કોંગ્રેસને 15 જેટલા તાલુકા પંચાયતના સભ્યોએ હાથ ઊંચો કરી સમર્થન આપ્યું હતું. જેથી કોંગ્રેસને બહુમતી મળી હતી. 2018-19ના વર્ષમાં ઉમરગામ તાલુકા પંચાયતને ફાળવવામાં આવેલા રૂપિયા 1.40 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ગ્રાન્ટનું આયોજન પણ કાર્યસૂચિ 5માં લેવામાં આવ્યું હતું. જેમાં વિરોધ પક્ષ કોંગ્રેસે ફેર દરખાસ્તમાં વોટીંગ કરી બહુમતી મેળવી લીધી હતી.
સત્તા પક્ષ ભાજપના તાલુકા પંચાયતના તમામ સદસ્યો અને ઉપસ્થિત હોદ્દેદારો અધવચ્ચે સભા પડતી મૂકી સભા પૂર્ણ થયાનું જાહેર કર્યું હતું. જેથી કોંગ્રેસી સભ્યોએ ભારે હોબાળો મચાવી સત્તાધારી ભાજપ અને તાલુકા વિકાસ અધિકારી સભ્ય સચિવનો હુરીયો બોલાવ્યો હતો.