ઉમરગામ તાલુકાના કરજગામ ખાતે કેપ્ટીવ પાવર જનરેશન ગ્રીન સાથે કાર્બન બ્લેકના નિર્માણનું ઉત્પાદન કરવા માટે સ્થપાનાર કંપનીનું 19મી જુલાઈએ હિયરિંગ છે. મદુરા કાર્બન ઇન્ડિયા લિમિટેડ નામની આ કંપની 2,30,000 TPA કાર્બન બ્લેકનું અને 45 મેગાવોટ કેપ્ટીવ પાવર જનરેશન ગ્રીન પાવરનું ઉત્પાદન કરશે. ઉત્પાદન થનારી પ્રોડક્ટ રબ્બર ઉત્પાદનમાં અને પાવરમાં વપરાશ તરીકે લેવાય છે.
કાર્બન બ્લેકનું નિર્માણ કરનાર મદુરા કાર્બન ઇન્ડિયા લિમિટેડ કંપનીથી લોકોને રોજગારી મળશે કંપનીના નીરજ ભટ્ટે જણાવ્યું કે, 94,499 ચોરસ મીટરમાં નિર્માણ પામનાર આ પ્રોજેક્ટમાં કાચા માલ તરીકે કાર્બન બ્લેક ફીડ સ્ટોક, ગોળસ પોટેશિયમ નાઇટ્રેટનો અને 3220 KLD પાણીનો વપરાશ થશે. આ પ્લાન્ટ 13 મેગાવોટ વીજળી બાળશે. જો કે, આ પ્લાન્ટ એકંદરે પ્રદુષણ અને માનવ જીવન માટે ગંભીર ખતરો નહીં, પરંતુ જીવાદોરી સમાન બનશે. વધુમાં તેમણે કહ્યું કે, આ કંપનીમાં 385 કર્મચારીઓની જરૂર પડશે. જેમાં સ્થાનિક માણસોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. કંપનીમાં ઘરગથ્થુ પાણી 100 KLD થશે જેનો નિકાલ STP મારફતે કરવામાં આવશે. ઔદ્યોગિક ગંદુ પાણી 247 KLD ઉત્પન્ન થશે તેમાંથી 30 KLD ETPમાં શુદ્ધિકરણ માટે મોકલવામાં આવશે. શુદ્ધ થયેલ પાણીનો ઉપયોગ વોશિંગ માટે અને બચેલા પાણીને RO પરમીટમાં મોકલવામાં આવશે. ત્યાંથી તે છોડના ઉપયોગ માટે ફરીથી ઉપયોગમાં લેવામાં આવશે અને બહાર કોઈ પણ પ્રકારનો ડિસ્ચાર્જ થશે નહીં. ઘન-જોખમી કચરાનો યોગ્ય રીતે સંગ્રહ કરાશે, CPCB/MOAF ની માર્ગદર્શિકા મુજબ નિકાલ કરાશે, ETP સ્લજને TSDF સાઈડમાં નિકાલ કરવામાં આવશે. ઓઈલી કપાસના કચરાને CHWIF બાળવામાં આવશે, વપરાયેલું તેલ અને કાઢી નાખેલી બેગ રજિસ્ટર કરી રીપ્રોસેસ કરીને વેચવામાં આવશે.
આ કંપનીની સ્થાપના માટે 8 જમીન પરના પાણીના નમુના નદીઓ અને તળાવમાંથી લેવામાં આવ્યા છે. ભૂગર્ભ પાણીના નમુના 8 અલગ અલગ ગામમાંથી લેવામાં આવ્યા છે. સૂચિત પ્રોજેક્ટ માટે બાંધકામ દરમિયાન કાચામાલના અવરજવર બાંધકામ સામગ્રીના ઉપયોગ અને ખોદેલા મટીરીયલના ઢગલા વગેરેને કારણે હવા પર્યાવરણ પર વિપરીત અસર ના પડે તે માટે બાંધકામ સામગ્રીના ઉપયોગ માટે આડશ મુકવામાં આવશે. પાણીનો છંટકાવ કરવામાં આવશે. વાહનો મશીનો અને ઉપકરણોની યોગ્ય જાળવણી અને સમયાંતરે ખાતરી કરાવી અને ઉત્સર્જનમાં ઘટાડો કરાશે નિષ્ક્રિય વાહનો અને મશીનરીનો ઉપયોગ બંધ કરાશે.
પ્રોજેક્ટ માટે કુલ ખર્ચ રૂપિયા 415 કરોડ જેટલો થશે. પર્યાવરણ અને સુરક્ષા વ્યવસ્થાપન માટે રૂપિયા 9.10 કરોડનું બજેટ ફાળવેલ છે. તેમજ તેના યોગ્ય સંચાલન માટે 1.54 કરોડનું ભંડોળ ફાળવેલ છે. પ્રોજેક્ટ પછીની પર્યાવરણીય ચકાસણી પાણી, હવા, જોખમી કચરો, અવાજ, પ્રદૂષિત પાણી વગેરેના નમૂનાઓ અને પૃથ્થકરણ તેમજ પર્યાવરણ પાલન અહેવાલ નિયમિત બનાવી તેમની માર્ગદર્શિકા પ્રકાશિત કરશે. કંપનીના માલની આયાત નિકાસથી આપણા દેશમાં વધારાની આવક થશે. ઉત્પાદનની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં મોટી માંગ છે. રોજગારીની તકો સીધી અને પરોક્ષ રીતે ઉત્પન્ન કરવામાં આવશે. જેથી આ પ્રોજેક્ટમા સ્થાનિક લોકોને સૌથી વધુ ફાયદો થશે
ઉલ્લેખનીય છે કે, 19મી જુલાઈએ કંપનીના નિર્માણ પ્લાન્ટ માટે GPCB અને કલેક્ટર વલસાડની ઉપસ્થિતિમાં લોક સુનાવણી યોજાશે. ત્યારે આ સુનાવણીમાં કંપની સંચાલકો કેવી રીતે સમગ્ર પ્રોજેક્ટનું તારણ રજુ કરે છે અને જે વિરોધનો સુર ઊઠ્યો છે તેનો કઈ રીતે સુખદ ઉકેલ લાવે છે તે જાણવા મળશે.