ગુજરાત

gujarat

ETV Bharat / city

તૌકતેએ મચાવી તબાહી: બાગાયતી પાકોમાં થયુ મોટું નુકસાન - વલસાડ અપડેટ

વલસાડ જિલ્લાના કાંઠાળપટ્ટી વિસ્તારમાંથી પસાર થયેલા તૌકતે વાવાઝોડાએ તબાહી મચાવી છે. જિલ્લાના અનેક ગામોમાં વૃક્ષો ધરાશાયી અને બાગાયતી પાકોને પણ મોટાપાયે નુકસાન પહોંચાડ્યું છે. કેરી-ચીકુના અસંખ્ય ઝાડને નુકસાન થતા કેરી પકવતા ખેડૂતો અને ચીકુનું ઉત્પાદન લેતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.

બાગાયતી પાકોમાં થયુ મોટું નુકસાન
બાગાયતી પાકોમાં થયુ મોટું નુકસાન

By

Published : May 18, 2021, 2:29 PM IST

  • તૌકતે વાવાઝોડાએ મચાવી તબાહી
  • બાગાયતી પાકોને વ્યાપક નુકસાન
  • જિલ્લમાં મોબાઈલ અને વીજ સેવા ખોરવાઈ

વાપીઃ સોમવારે વલસાડ જિલ્લાના દરિયા કિનારેથી પસાર થયેલા તૌકતેએ સમગ્ર જિલ્લામાં તબાહી મચાવી છે. 2 દિવસથી જિલ્લાનું વાતાવરણ બદલાયું છે. સતત પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. મેં મહિનામાં જામેલા આ વરસાદે કેરીના અને ચીકુના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે.

તૌકતેએ મચાવી તબાહી: બાગાયતી પાકોમાં થયુ મોટું નુકસાન

2 દિવસમાં 1 તી 8 ઈંચ સુધી વરસાદ વરસ્યો

વલસાડ જિલ્લામાં તૌકતે વાવાઝોડાને પગલે છેલ્લા 2 દિવસમાં સરેરાશ 1 ઇંચથી 8 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. ભારે પવન ફૂંકાયો છે. જેને કારણે બાગાયત પાકમાં ભારે નુકસાન થયું છે. જિલ્લાની કેટલીયે આંબાવાડીઓમાં તૈયાર થયેલી કેરીને, ચીકુવાડીઓમાં ચીકુને ઝાડ પરથી ખરી પડી છે. આ સમય આમ પણ કેરીનું ઉત્પાદન લેતા ખેડૂતો માટે અતિ મહત્વનો સમય હોય છે.

આ પણ વાંચોઃતૌકતે વાવઝોડાની લઇને ખેડૂતોને ખેતી નિયામકે કરી ભલામણ

બાગાયતી પાકને ભારે નુકસાન

જિલ્લામાં અંદાજીત 3600 હેકટરમાં કેરીનું ઉત્પાદન થાય છે. એનાથી વધુ ઉત્પાદન ચીકુનું થાય છે. હાલની સીઝનમાં તૈયાર કેરીને ઉતારી જે તે APMCમાં મોકલવામાં આવતી હોય છે. ચીકુના નવા પાકની તૈયારી સાથે પાકા પાકને ઉતારવાની તૈયારીઓ પુરજોશમાં હોય છે. પરંતુ તૌકતે વાવાઝોડાને કારણે 3 દિવસથી જિલ્લાના હવામાનમાં ભારે પલટો આવ્યો છે. સતત પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. જેમાં તમામ પાક ખરી જતા નષ્ટ થયો છે. આ સાથે જ અનેક ઝાડની ડાળીઓ તૂટવાથી લઈને વૃક્ષો ધરાશાયી થયા છે. તૌકતે વાવાઝોડાએ આવી કેટલીયે ચીકુવાડી, આંબાવાડીઓમાં પાકને નુકસાન પહોંચાડ્યુ છે.

આ પણ વાંચોઃતૌકતે વાવાઝોડું: કામરેજના માંકણામાં વૃક્ષ ધરાશયી થતા એકનું મોત

સરકાર સર્વે કરી સહાય પુરી પાડે તેવી આવશ્કયતા

આ અંગે બાગાયત ખેડૂતોનું કહેવું છે કે, આ ત્રણ દિવસમાં વ્યાપક નુકસાન થયું છે. ત્યારે સરકાર પર જ મોટી આશા છે. વર્ષોથી સૌરાષ્ટ્રના ખેડૂતોને મગફળી, કપાસ, ઘઉં, જીરુની કુદરતી નુકસાની સમયે સહાયરૂપી વળતર ચુકવવામાં આવે છે. જો કે દક્ષિણ ગુજરાતમાં સરકારે આવી સહાય બાગાયતી પાકો માટે ચૂકવી નથી. પરંતુ આ વખતે એક તરફ કોરોનાનો માર અને બીજી તરફ અધૂરામાં પૂરું તૌકતે વાવાઝોડાએ નુકસાન પહોંચાડ્યું છે ત્યારે સરકાર આ અંગે સર્વે કરાવી આગામી દિવસોમાં બાગાયતી ખેડૂતોને થયેલા નુકસાન અંગે સહાય પુરી પાડે તે જરૂરી છે.

તૌકતેએ મચાવી તબાહી: બાગાયતી પાકોમાં થયુ મોટું નુકસાન

વિજવિક્ષેપને કારણે લોકો હકીકતથી અજાણ

ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસથી વલસાડ જિલ્લાને ઘમરોળતા વરુણદેવ અને પવનદેવે હજુ પણ રોકાવાનું નામ લીધું નથી. મંગળવારે પણ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં અંધારપટ્ટ છવાયો છે. અનેક વિસ્તારમાં ઝાડ તૂટવાના, વિજપોલ ધરશાયી થવાના કારણે જનજીવન ઠપ્પ થયું છે. આજના ડિજિટલ યુગમાં મોબાઈલ ટાવર, મોબાઈલ કેબલને નુકસાન થતા પરિવારજનો, મિત્રો સાથેનો સંપર્ક કપાયો છે. ત્યારે વીજ સમસ્યાના નિવારણ બાદ જ લોકોને તૌકતેએ વેરેલી તબાહીની સાચી માહિતી જાણવા મળશે.

ABOUT THE AUTHOR

...view details