દમણ: ગજાનંદ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે ધ કિંગ ઓફ સિ-ફેસના નેજા હેઠળ વિશાળકાય ગણેશ પ્રતિમાનું જાહેર સ્થાપન કરી ગણેશ ઉત્સવનું દબદબાભેર આયોજન કરવામાં આવે છે. આ દિવસોમાં સતત 11 દિવસ સુધી અહીં દમણવાસીઓ બાપ્પાની પૂજા અર્ચના કરે છે. પરંતુ આ વખતે આ ફાઉન્ડેશન દ્વારા સરકારની ગાઇડલાઈન્સ મુજબ કોરોના વાઇરસ મહામારીને ધ્યાનમાં રાખી ઘરે જ પ્રતિમાની સ્થાપના કરવાનું આયોજન કર્યું છે.
દમણમાં સાર્વજનિક ગણેશ પંડાલોને બદલે ઘરે જ થશે ગણેશ સ્થાપન
સંઘપ્રદેશ દમણમાં દર વર્ષે મોટા પાયે થતા સાર્વજનિક ગણેશ ઉત્સવના આયોજનને આ વખતે કોરોનાનું વિઘ્ન નડ્યું છે. જેને ધ્યાનમાં રાખીને ગણેશ મંડળોએ આ વખતે માત્ર 2 ફૂટની મૂર્તિ લાવી તેનું ઘરે જ સ્થાપન કરવાનું આયોજન કર્યું છે. ગણેશ ભક્તો વિધ્નહર્તા ભગવાન ગણેશ કોરોના નામનું વિઘ્ન દૂર કરે તે માટે ઘરે જ ઉજવણી કરી બાપ્પાને ખાસ પ્રાર્થના કરશે.
દમણમાં સાર્વજનિક ગણેશ પંડાલોને બદલે ઘરે જ થશે ગણેશ સ્થાપન
ઉલ્લેખનીય છે કે કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખી દમણ તંત્ર દ્વારા સાર્વજનિક ગણેશ મહોત્સવ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ઉપરાંત, ઘરે ગણેશ સ્થાપના કરતા ભક્તોને પણ માત્ર માટીની અને 2 ફૂટ સુધીની મૂર્તિનું જ સ્થાપન કરવાની સૂચના આપી છે. જેને લઈને સાર્વજનિક ગણેશ મહોત્સવની આ વર્ષે બાદબાકી થઈ જતા શહેરમાં ગણેશ ઉત્સવ માત્ર ઘર કે સોસાયટી પૂરતો પરંતુ ભક્તિભાવનો ઉત્સવ બની રહેશે.