ગુજરાત

gujarat

ETV Bharat / city

દમણની આઝાદી પછી પહેલીવાર વહાણના આવાગમન માટે 71 કરોડના ખર્ચે ડ્રેજિંગ પ્રોજેકટ

દમણ: કેન્દ્રશાસિત પ્રદેશમાં માછીમારીનાં વ્યવસાય સાથે સંકળાયેલા માછીમારોની 25 વર્ષ જૂની ડ્રેજિંગની માંગણી સ્વીકારી લેવાઈ છે. દમણ પ્રશાસનને દરિયાની ખાડી અને દમણગંગા નદીના સંગમ સ્થળે 70 મીટર પહોળાઈ, 15 મીટર ઊંડાઈ અને 6 કિલોમીટર લંબાઈ ધરાવતા મેજર ડ્રેજિંગ પ્રોજેકટને મંજૂરી મળી ગઈ છે. જે માટે સાગરમાલા ડિવિઝને 71 કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવ્યું છે. આ પ્રોજેકટથી નાના મોટા તમામ પ્રકારના વાહનો અને ક્રુઝ પણ દરિયા કાંઠે લાંગરી શકાશે તેવું દમણ પ્રશાસને જણાવ્યું છે.

By

Published : Nov 22, 2019, 12:52 PM IST

Dredging in Daman Port news update

દમણમાં દરિયાની ખાડી અને દમણગંગા નદીના મુખ પાસે 3 વર્ષની સમય મર્યાદા ધરાવતા મેજર ડ્રેજિંગ પ્રોજેકટ દમણ પ્રશાસન દ્વારા હાથ ધરાયો છે. સાગરમાલા ડિવિઝન દ્વારા 71 કરોડની ફળવણીની મંજૂરી સાથે શરૂ થનાર આ ડ્રેજિંગ પ્રોજેકટ દમણ માટે મેજર ડ્રેજિંગ પ્રોજેકટ છે. નાની દમણ અને મોટી દમણ વચ્ચે દરિયાની ખાડીમાં 70 મીટરની પહોળાઈ, 15 મીટરની ઊંડાઈ અને 6 કિલોમીટર લાંબી ચેનલમાં આ ડ્રેજિંગ કામગીરી હાથ ધરાશે. આ ડ્રેજિંગ કામગીરી માટે દમણના સ્થાનિક માછીમારોની 25 વર્ષ જૂની માંગણી હતી. જેને તાજેતરમાં પ્રશાસને લોક-સુનાવણી યોજી મંજૂરીની મહોર લગાવી છે.

દમણના માછીમારો અને દમણ વહીવટીતંત્ર માટે આ પ્રોજેકટ મહત્વનો છે. દમણની આઝાદી બાદ પ્રથમ વખત આ પ્રકારની ડ્રેજિંગ પ્રક્રિયા હાથ ધરાવાની છે. ત્યારે આ અંગે દમણ વહીવટી તંત્રના મામલતદાર એસ.એસ. ઠક્કરે વિગતો આપતા જણાવ્યું કે, વર્ષોથી દરિયાના અને દમણગંગા નદીના સંગમ સ્થળે નેવિગેશન માટે મોટા વેસલ્સની અવરજવર થઈ શકતી ન હતી. સતત કાંપના ભરાવને કારણે દરિયો છીછરો બન્યો હતો. લો-ટાઇડ વખતે મોટા વહાણો કાંઠા સુધી આવી શકતા નહોતા. જેને ધ્યાને રાખી પ્રશાસને લોક સુનાવણી યોજી માછીમારોની સલાહ-સૂચના સાથે આ મેજર પ્રોજેકટને મંજૂરી આપી છે.

દમણની આઝાદી પછી પહેલીવાર વહાણના આવાગમન માટે 71 કરોડના ખર્ચે ડ્રેજિંગ પ્રોજેકટ

મામલતદાર ઠક્કરના જણાવ્યા મુજબ, આ મેજર ડ્રેજિંગ પ્રોજેકટ છે. જેને પાર પાડ્યા બાદ દરિયાની ઊંડાઈ વધશે એટલે ફિશિંગ વેસલ્સ લો-ટાઇડ કે હાઈ-ટાઇડ દરમિયાન આરામથી કાંઠે લાંગરી શકાશે. હાલમાં માછીમારોએ હાઈ-ટાઇડની રાહમાં 12 કલાક સુધી દરિયામાં રાહ જોવી પડે છે. અને તેમાં તેમના ખલાસીઓનું અને ડીઝલનું ભારણ વધે છે સાથે સમયની બરબાદી થાય છે. આગામી દિવસોમાં ડ્રેજિંગ પ્રક્રિયા બાદ તેમને આ ભારણમાંથી છુટકારો મળશે. એ ઉપરાંત દિવ-મુંબઈ જેમ દમણ-દિવ કે દમણ-મુંબઈની ક્રુઝ સેવા પણ શરૂ થઈ શકાશે.

આ મેજર ડ્રેજિંગ પ્રોજેકટ માટે પ્રશાસને મુંબઈની જાણીતી NIO અને DCIL જેવી ડ્રેજિંગ એક્સપર્ટ એજન્સી પાસે સર્વે કરાવ્યું છે. ડ્રેજિંગ બાદ કાંઠાનો કાંપ, નદીના પ્રવાહમાં આવતો કાંપ ફરી ચેનલને છીછરી બનાવે નહીં તે માટે પણ પૂરતું આયોજન કર્યું છે. ડ્રેજિંગની સમય મર્યાદા જેમ ત્રણ વર્ષની છે. તેમ દર ત્રણ વર્ષે આગળના વર્ષોમાં પણ ડ્રેજિંગ કરવામાં આવશે.


જો કે પ્રશાસનના આ પ્રોજેકટની લોક-સુનાવણી વખતે પ્રશાસન દ્વારા ગણતરીના આગેવાનોને જ આમંત્રણ આપ્યું હોવાનું અને પ્રોજેકટમાં આવનારા અવરોધ અંગે માછીમારો પાસેથી કોઈ સલાહ સૂચનો લેવામાં આવ્યા ન હોવાનું દમણના માછીમાર એસોસિએશનના સભ્યોએ જણાવ્યું છે. કેમેરા સામે નહીં આવવાની શરતે માછીમારોએ જણાવ્યું હતું કે, વર્ષો જૂની માંગણીને હવે પ્રશાસન સ્વીકારે છે, તે માટેનું ચોક્કસ કારણ જણાવ્યું નથી. દમણના માછીમારોને 6 કિલોમીટર લાંબી ચેનલી જરૂર નથી તેમ છતાં પ્રશાસન આટલી લાંબી ચેનલમાં ડ્રેજિંગ કરાવવા માંગે છે. દમણમાં દરિયાના પવનની દિશા જોતા ખાડીમાં આ મેજર ડ્રેજિંગથી ભરતી અને ઓટ વખતે મોટા વેસેલ્સને કોઈ ફાયદો નહીં થાય તેવું પોતાના અનુભવે જણાવી પ્રશાસન માછીમારોનાં વ્યવસાયને નેસ્ત નાબૂદ કરી મોટા પ્રવાસી ક્રુઝ માટે આ ડ્રેજિંગ કામગીરી કરી રહી હોવાનો આક્ષેપ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details